ભારતમાં “લીમડા”ના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ અને પાકરક્ષક દવાઓ તથા ખાતર આપનાર કડવો “લીમડો” પર્યાવરણનો ઉત્તમ સંરક્ષક તરીકે ઉપયોગી છે. “નીમ હકીમ” તથા “ગામડાની ફાર્મસી” તરીકે “લીમડો” એક આગવી ઓળખ ધરાવે છે. “લીમડા”ના તેલમાં એઝાડિરેક્ટિન, નીમ્બિન, નીમ્બિડિન, સેલેનિન, મેલિઓન્ટ્રીઓલ જેવા ૧૦૦ થી વધુ સક્રિય ઘટકો છે, જે પ્રાકૃતિક કૃષિમાં મોલોમસી, સફેદ માખી, થ્રીપ્સ, મીલીબગ સહિત વિવિધ ઇયળો જેવી ૨૦૦ કરતા વધુ નુકસાનકારક જીવાતો સામે રક્ષણ આપે છે. “લીમડા”ની છાલ, બીજ, પાંદડા અનેક સંયોજન ધરાવે છે જે એન્ટિસેપ્ટિક, એન્ટિવાયરલ, એન્ટિપ્રાયરેટિક્સ, બળતરા વિરોધી અને એન્ટિફંગલ સાબિત થાય છે. “લીમડા”ના વિવિધ ઉપયોગો અને પર્યાવરણ રક્ષણમાં તેના મહત્વપૂર્ણ યોગદાનના કારણે યુનાઇટેડ નેશન્સ દ્વારા “લીમડા”ને એકવીસમી સદીના વૃક્ષ તરીકેની ઓળખ મળી છે. જી.એન.એફ.સી. દ્વારા વર્ષ-૨૦૧૫માં બહુઆયામી ‘નીમ પ્રોજેક્ટ’ શરુ કરવામાં આવ્યો હતો. “લીમડા”ની લીંબોળીમાંથી મળતા ઓઈલ (તેલ) દ્વારા નર્મદા યુરિયાને નીમ કોટિંગ કરવામાં આવે છે. લીમડાના દાણા (લીંબોળી)ને તેલ માટે કચડી નાખ્યા પછી જે વધે છે તેને લીમડાની કેક અથવા લીંબોળીનો ખોળ કહે છે. લીંબોળીનો ખોળ (નીમ કેક) નો ઉપયોગ પ્રાકૃતિક
કૃષિમાં કાર્બનિક ખાતર તરીકે કરી શકાય છે. કારણ કે તેનાથી છોડના વિકાસમાં મદદ મળે છે, તેમાં છોડના વિકાસને મદદ કરતા તમામ પોષક તત્વો સામેલ છે, તે બાયો-ડિગ્રેડેબલ છે ઉપરાંત વિવિધ પ્રકારના ખાતર સાથે તેનો ઉપયોગ કરી શકાય છે.













































