સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગર તાલુકાથી પ્રાંતિજ જતા નેશનલ હાઈવે-૮ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલનાં અધિકારીઓએ બાતમીને આધારે પ્રાંતિજ ઓવરબ્રિજ નજીકથી પસાર થતા બે શંકાસ્પદ વાહનોને અટકાવી તપાસ કરતાં તેમાંથી અંદાજે રૂ.૮.૩૦ લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારમાંથી દારૂના જથ્થા સહિત અલગ-અલગ નંબર પ્લેટ મળી આવી હતી. ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલે ચાલક અને માલિક સહિત જથ્થો મોકલનાર, લેનાર સહિત ૪ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલનાં પીએસઆઇ વી.એ. શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, શુક્રવારે પ્રાંતિજનાં ઓવરબ્રિજ નજીકથી બે વાહનોમાં પાસ પરમીટ વિના દારૂ જથ્થો અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલનાં સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન, અહીંથી પસાર થઈ રહેલ કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવાઈ હતી. ત્યારબાદ કારમાં તપાસ કરતાં સ્ટેટ મોનિટરિંગ સેલનાં રેડ અધિકારી તથા સ્ટાફને અંદાજે રૂ.૮.૩૦ લાખની કિંમતની અંદાજે ૧૪૦૩ દારૂની બોટલ મળી આવી હતી.
પોલીસે કારને જપ્ત કરી કારમાં તપાસ કરતા બે અલગ-અલગ નંબર પ્લેટ હાથ લાગી હતી. ત્યારબાદ કારના માલિકની પૂછપરછ કરતા પીએસઆઇ શેખે તરતજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દારૂનો જથ્થો મોકલનાર અને ચાલક સહિત ૪ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે સાબરકાંઠામાંથી પકડેલો દારૂનો જથ્થો કેવી રીતે હિંમતનગર થઈ પ્રાંતિજ તરફ ગયો તે પણ તપાસનો વિષય છે.