સાબરકાંઠામાં પ્રાંતિજનાં કાટવાડ ઓવરબ્રિજ પાસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર વહેલી સવારે ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ખાનગી બસમાં સવાર ૨ના મોત, ૮ને ઇજા પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા જીલ્લાનાં પ્રાંતિજ તાલુકામાં કાટવાડ ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે ખાનગી બસ બોરીવલીથી ઉદેપુર તરફ જઈ રહી હતી, દરમિયાન અચાનક ટ્રક પાછળ ખાનગી બસ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થયો હતો. ગોઝારો અકસ્માત સર્જાતા લોકો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.
પ્રાંતિજ પોલીસને અકસ્માતની જાણ કરાતા પોલીસ કાફલા સાથે દુર્ઘટનાસ્થળે આવી તપાસ શરૂ કરી હતી. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હિંમતનગર અને પ્રાંતિજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ૧૦૮ની ચાર એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. બસમાં ફસાયેલ ૨ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ૧ કલાકની જહેમત બાદ ગાડીનાં પતરા કાપી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સાથે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા છે. મૃતકોનાં પરિવારને દુર્ઘટનાની જાણ કરી દેવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.










































