સુરત શહેરમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક હસતા-રમતા પરિવારને ખતમ કરવાનું ભયાનક કાવતરું ઘડવામાં આવ્યું હતું. ગોરધનભાઈ ડોંડા અને તેમના પરિવારને પ્રસાદના નામે ઝેરી લાડુ ખવડાવી સામૂહિક હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, અજાણ્યા શખ્સો દ્વારા ગોરધનભાઈ ડોંડાના પરિવારને નિશાન બનાવવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિએ ધાર્મિક વિધિ અથવા પૂજાના પ્રસાદ તરીકે આ પરિવારને લાડુ આપ્યા હતા. પરિવારના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક આ લાડુનું સેવન કર્યું હતું, પરંતુ તેમને અંદાજ પણ નહોતો કે આ મીઠાસ પાછળ મોત છુપાયેલું છે. લાડુ ખાધાના થોડા જ સમયમાં પરિવારના સભ્યોની તબિયત લથડવા લાગી હતી અને ગંભીર લક્ષણો જણાતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ માત્ર અકસ્માત નથી, પરંતુ ગોરધનભાઈ ડોંડાના સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાનું પૂર્વ આયોજિત કાવતરું હતું. ઝેરની માત્રા એટલી તીવ્ર હતી કે જા સમયસર સારવાર ન મળી હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. હાલમાં પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે કે આ લાડુ કોણે આપ્યા અને તેની પાછળનો હેતુ શું હતો? શું આ કોઈ પારિવારિક અદાવત છે કે પછી આર્થિક લેતીદેતીનો મામલો?
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લાડુના નમૂના લઈ તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. ગોરધનભાઈના ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ શકે. આસપાસના રહીશોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ અને ભયનો માહોલ જાવા મળી રહ્યો છે.