ચોમાસામાં પણ શિયાળાની જેમ રાત્રિ વહેલી શરૂ થઈ જાય છે, વાદળાઓ કૂણો અંધકાર લઈ આવે છે, એને કારણે ઘરમાં બધાનો મેળાવડો વહેલા જામે છે. વરસાદ ઓછો હોય કે ન હોય ત્યારે સાંજે ઘરે પહોંચવામાં વહેલું મોડું થતું હોય છે. પરંતુ શિયાળો અને ચોમાસુ પંખીઓને તેમનામાં માળામાં વહેલા મોકલી આપે છે. દિવસ પણ ટૂંકો હોય. કોઈ કારણ હોય અને ઘરે મોડા પહોંચાય તો કંઈ વાંધો નથી. કેટલાક લોકોની નોકરી પણ એવી હોય કે રાત્રે સમયસર ઘરે પહોંચી શકે નહિ. વ્યાપાર કે ઉદ્યોગ એવા હોય એમ પણ બને. પરંતુ એવું કોઈ કામ ન હોય તો પણ ગામના પાદરમાં કે શહેરની શેરીઓમાં એક રખડતી માનવ પ્રજાતિ હોય છે. સાંજ પડે પછી રખડવાનો એક વાયરો ઉપડે છે અને એ એમને લાગે છે. જેમનામાં ગૃહસ્થ જીવનમાં સ્વધર્મનો એકડો કાચો ઘૂંટાયો હોય એમને ઘરે પહોંચવાના સમયના ઠેકાણા ન હોય.
દામ્પત્ય જીવનમાં પ્રસન્નતા હોય એ દંપતીએ બીજી કોઈ સાધના કે ઉપાસના કરવાની હોતી નથી. ભગવાનના મંદિર સામે બે કલાક બેસે અને પોતાના વર્તનથી જીવનસાથીના કાળજા બાળે તો એવો એ અ-ધર્મ કુટુંબના સર્વ સંસ્કાર વારસાને ડૂબાડે છે. જેને જિંદગી સરખી રીતે આવડે નહિ એને ધર્મ પણ ન જ આવડે અને સંસારમાં કોઈનોય જીવ દુઃભાય નહિ એની સાવધાની રાખે એ જ ખરા સજ્જન કે સન્નારી હોય છે. પણ આવા જીવનસાથી મળવા એ કંઈ સુગમ તો નથી. મોટાભાગના કિસ્સાઓમાં પડ્યું પાનું નિભાવવાની વાત જોવા મળે છે. પરંતુ જેઓ એકબીજાને સમજીને જીવન જીવે છે અને પરસ્પર સન્માન રાખે છે એ દંપતી જ સારસ બેલડીની વ્યાખ્યામાં આવે છે.
એવા દામ્પત્ય જીવનમાં પતિએ કે પત્નીએ કદી ઘડિયાળમાં જોવાનું ન રહે. સમયસર પતિના ચરણ ઘર તરફ વળી જાય છે. પરંતુ એવું ન હોય તે કિસ્સામાં પતિ રખડતા રામ જેવો હોય છે. એનું સર્વ સુખ ઘરમાં હોય છે અને એ બહાર ભટકતો હોય છે. પછી એવા રખડુઓને મિત્રોનો સંગાથ હોય અને વ્યસનોનો સાથ હોય. જેમ જેમ રાત ઉપર ચડતી જાય તેમ એમના પગમાં રઝળપાટની ધુન વળગતી જાય. સંતાનો નાના હોય ત્યારે એને માતા-પિતાની સહિયારી હૂંફની જરૂર હોય છે. કવિ ડા. સ્નેહલ જોશીની કાવ્ય પંક્તિ કહે છે કે ‘માળા ભણી વિહગરાજ હવે ફરી જા, છે વૃક્ષમાં રઝળતો પરિવાર તારો !’ આ એક જ પંક્તિમાં કવિએ ખુલ્લા આસમાનની સ્વતંત્રતા માણતા અને હવાઓની લહેર સાથે રમતા પંખીરાજને ટકોર કરી છે કે તારું આકાશ આ દેખાય છે એ એકલું જ નથી, તારું આકાશ તારો માળો પણ છે. વિહગરાજ એટલે પંખીઓનો રાજા એટલે કે ઘરનો મોભી. ગૃહસ્થ શબ્દ કંઈ પૂર્વમુનિઓએ અમથો કહ્યો હશે? ગૃહમાં જે સ્થિર છે તે અને નિજ ગૃહ કલ્યાણાર્થે પોતાના સર્વ પુરુષાર્થ સહિત જે સંસારસાગરમાં સ્થિર છે તે ખરો ગૃહસ્થ છે.
ઘરનો મોભી વહેલો ઘરે આવે તે ઘરમાં આનંદ ચક્રવૃધ્ધ ગતિએ વધે છે. અખંડિત દંપતીનું સાયુજ્ય ઘરની શોભા વધારે છે. એથી સંતાનોના હૈયે ટાઢક રહે છે. ઉત્પાત ઘટતા માબાપ નજર સામે હોય તો બાળકોને ધરપત રહે છે. ગણપતિ એક બાળસ્વરૂપના દેવ છે. તેમની મૂર્તિ સદાય ઉત્તરાભિમુખ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. કારણ કે ઉત્તરમાં હિમાલય છે, કૈલાસ છે અને ત્યાં પોતાના માતાપિતા શિવપાર્વતી છે. માતાપિતાને નજર સામે જ અનુભવતા ગણપતિ સદા પ્રસન્ન રહે છે. માતાપિતા બન્ને ઘરે હોય ત્યારે સંતાનોને એમના જોગનો ન્યાય મળે છે. એટલા માટે કે મમ્મીની ફરિયાદ પપ્પાને કરી શકાય અને પપ્પાની ફરિયાદ મમ્મીને કરી શકાય. તેઓ એમ કરીને પોતાનું કામ ચલાવતા હોય છે અને વાલીઓમાં પણ જો એક નો સ્વભાવ આકરો હોય તો બીજાનો સ્વભાવ ઉદાર હોય.









































