સૌરાષ્ટ્ર પર વરસોથી પાનમાવાના ગંભીર આરોપ થાય છે ને હવે જ્યારે જનારોગ્ય જોખમી બન્યું છે ત્યારે એના પર વિચાર કરવો જરૂરી છે. આજે પરિસ્થિતિ એ છે કે દરેક પિતા પોતાની દીકરીનું વેવિશાળ કરતાં પહેલા એ તપાસ તો ખાસ કરે છે કે મુરતિયા ઉમેદવારને કોઈ વ્યસન છે કે નહિ. અને જો વ્યસન હોય તો સારું ઘર અને વર પણ પડતા મૂકવાનો નિયમ બની ગયો છે. આ સંયોગો એટલા ગંભીર છે કે વ્યસનને કારણે પણ દીકરાઓ કુંવારા રહી જવાની દહેશત છે. કોરોનાની પાછલી જીવલેણ સનસનાટી પછી પણ કોઈના વ્યસનોમાં જરા પણ ફેરફાર થયો હોય એવું જોવા મળે છે ? વ્યસનો માટે દોડતા ભટકતા ભૂતો સૌરાષ્ટ્રની દરેક શેરીઓમાં જોવા મળે છે.
માણસજાતને બદલાવવી એટલે કે એના વ્યવહાર અને ટેવમાં ફેરફાર કરવો બહુ અઘરું કામ છે. પ્રકૃતિ સાથેનો નાતો તૂટી ગયા પછી એને ફરી સંધાતા હજારો વરસો વીતી જશે એમ પર્યાવરણવિદો માને છે અને એટલે ત્યાં સુધીમાં ચોતરફ વિનાશલીલા સર્જાશે. કડવું પણ આ સત્ય છે. વૈશ્વિક હવામાન સંસ્થા વર્લ્ડ મટીરિયોલોજી ઓર્ગેનાઇઝેશને અગાઉ જાહેર કરેલા દુનિયાના અત્યારના હવામાન અંગેના સ્ટેટસ રિપોર્ટ પ્રમાણે પાછલા વરસોની તુલનાએ નાગરિકોની પર્યાવરણ પ્રત્યેની બેફિકરમાં સખત વધારો થયો છે. બે-ચાર ફૂલ કે વૃક્ષવેલ સાથે પસાર કરવાનો સમય હવે વિશ્વના જનસમુદાય પાસે નથી. જેમ જેમ ઘડિયાળના કાંટા અને કેલેન્ડરના પાના આગળ ફરતા જાય છે તેમ તેમ માનવજાતિ કોઇક રહસ્યમય કારણથી પ્રકૃતિ વિમુખ થતી જાય છે.
સમયની એ ખતરનાક ડિમાન્ડ છે કે માણસજાતે હવે કુદરતની નજીક રહેવું. એક અમથા લીમડાના ઝાડ નીચે બેસનારો વનવાસી બચી જશે ને વાતાનુકૂલિત દીવાલોમાં કેદ થયેલાઓ આરોગ્યની ધમાલમાં પડી જશે. આ વાત જુદી જુદી રીતે દુનિયાના અનેક મહાન લોકોએ વારંવાર કહી છે. પરંતુ કોરોનાએ ભાન કરાવ્યું છે કે પહેલું અને છેલ્લું બધું સુખ જાતે નર્યાનું જ છે. માણસજાત કુદરતથી જેટલી વિમુખ રહે એટલી એને આપત્તિ જ છે. સમય એવો બદલાયો છે કે જેઓ વ્યસનમુક્ત છે અને તેજસ્વી છે તેઓ જ ખરા સદભાગી છે.
એથી એના પરિણામો પણ હવે એ ભોગવે છે. હવામાન ક્ષેત્રના વૈજ્ઞાનિકોના મત પ્રમાણે કોઈ રાજનેતાના વ્યર્થ ભાષણો જેટલો જ અરસિક વિષય પર્યાવરણ થતો જાય છે. દુનિયા કોઈ એક અણધાર્યા પર્યાવરણીય વિનાશ તરફ પુરપાટ વેગે વહી રહી છે અને નાગરિકો એમની જૂની ભોગવાદી પરંપરામાં બેહોશ થયેલા એટલે કે વાતાવરણના આઘાતજનક પરિવર્તનોની ઉપેક્ષા કરનારા થયા છે. પોતાનો મુક્તિનો સમય પ્રકૃતિ કાજે ફાળવતા વડીલો પણ હવે ઘટી ગયા છે. દુનિયામાં વયોવૃદ્ધ લોકોની પણ એક નવી જનરેશન અસ્તિત્વમાં આવી છે જે એકાંતપ્રિય અથવા મનોરંજનપ્રિય છે. વૈજ્ઞાનિકોએ એ વાતની ગંભીર નોંધ લીધી છે કે દુનિયાના કેટલાક વિખ્યાત ગાર્ડનના બાંકડાઓ પણ સમીસાંજે હવે ખાલી દેખાવા લાગ્યા છે.
વૃક્ષો પર પંખીઓ ઘટયા છે અને બાંકડાઓ પર બેસનારા લોકો પણ પહેલા જેટલા રહ્યા નથી. કુદરતનો પૂર્ણ સાક્ષાત્કાર કરાવતા ઉદ્યાનોમાં વ્યાપ્ત થતો જતો આ સુનકાર, આમ તો માનવ જિંદગીઓમાં આવનારા સન્નાટાનો આગોતરો પરિચાયક છે. ધ સ્ટેટ આૅફ ધ ગ્લોબલ ક્લાયમેટ નામક આ રિપોર્ટ એક રીતે તો ભવિષ્યની ભયાવહ સમસ્યાઓનો એક ખતરનાક દસ્તાવેજ છે, પરંતુ જગત એને ગંભીરતાથી લે એવી શક્યતા બિલકુલ નથી. કારણ કે આ રિપોર્ટ તો મોસમ વૈજ્ઞાનિકોની નવી એક બૂમ છે, આની પહેલાની અનેક બૂમાબૂમનો વિશ્વના જનસમુદાયે કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી કે જનવર્તનમાં કોઈ ફેરફાર નોંધાયો નથી.
વૈજ્ઞાનિકો જો કે હવે નિરાશ થતા નથી, તેઓ માનવજાતિને તેમની પર્યાવરણ પરત્વેની ઉદાસીનતાની સજા મળતી થાય એની પ્રશાંત ચિત્તે પ્રતીક્ષા કરતા થયા છે, કારણ કે સત્તાઓ અને મહાસત્તાઓ તેમના કહ્યામાં ન હોય ત્યારે સહદેવવૃત્તિથી તેમણે પરિણામોની માત્ર પ્રતીક્ષા કરવાની રહે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવના કહેવા પ્રમાણે પર્યાવરણની સભાનતા અને સકારાત્મક પ્રવૃત્તિઓ વધવાને બદલે આ વિષય હવે હાંસિયામાં મૂકાઈ ગયા છે. વિશ્વના થોડા વૈજ્ઞાનિકો અને ચપટીક બુદ્ધિજીવીઓ સિવાય ન તો પ્રજા કે ન રાજકર્તાઓ પર્યાવરણ અંગે સક્રિય છે. તેઓની નિષ્ક્રિયતાએ નવા સંકટને નોંતરું આપ્યું છે.
રિપોર્ટ પ્રમાણે છેલ્લા ચાર-પાંચ વરસમાં દુનિયાના ઉષ્ણતામાનમાં ક્રમિક વધારો થયો છે. હવે આ તાપમાન વધતા દરે વધે છે. એમ માનવામાં આવતું હતું કે વિવિધ આંતરરાષ્ટ્રીય ઝુંબેશને કારણે અંગારવાયુના ઉત્સર્જનમાં કંઇક ઘટાડો થશે, પરંતુ વધારો થયો છે. પેરિસમાં થયેલા જટિલ કરારના દસ્તાવેજ પ્રમાણે આ ચાલુ એકવીસમી સદીના અંત સુધીમાં તાપમાન વધી વધીને માત્ર બે ડિગ્રી સેલ્સિયસ વધે એની સાવધાની રાખવાના નિયમો ઘડવામાં આવ્યા હતા, જ્યારે કે છેલ્લા એક વરસમાં જ એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો વધી ગયું છે. સદીના અંત પહેલા જ અંત આવી જવાનો આ સંકેત છે. આખી આ વર્તમાન સદી પૂરી થાય ત્યાં સુધીનો અંદાજ બહુ જ વહેલા પાર થઇ જશે અને પછી એ જે ગતિ પકડશે તે વિવિધ દેશોના સમુદાયો માટે વધુને વધુ ઘાતક પુરવાર થશે.












































