ચાવંડ, બાબરા મુકામે પ્રા.શાળા, આરોગ્ય કેન્દ્ર ખાતે નિરીક્ષણ કર્યું અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારે જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ અને બાબરા મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નંદઘર-આંગણવાડી અને પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈને આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ વ્યવસ્થા અને મધ્યાહન ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલનના સર્વે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ‘વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરવા માટે રાજ્યના તમામ જિલ્લાઓ મહત્વનો ફાળો આપી શકે તે માટે ચોક્કસ દિશામાં આગળ ધપવાની રાજ્ય સરકારની નેમ છે. આ દિશામાં પૂર્વ આયોજન સાથે આગળ વધવા માટે અને વિવિધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (કુલ ૧૭ ગોલ્સ)માં અમરેલી જિલ્લો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નક્કી કરેલા નિશ્ચિત લક્ષ્યાંકો સમય મર્યાદામાં પ્રાપ્ત કરી શકે તે માટે બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારે જિલ્લા સંકલનના સર્વે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડીને જરૂરી દિશાનિર્દેશો પણ આપ્યા હતા. અમરેલી જિલ્લામાં પણ આ ઇન્ડેક્સ અન્વયે વિવિધ ઇન્ડીકેટર્સમાં લક્ષ્યાંક મુજબ અને આયોજન સાથે પ્રગતિલક્ષી કામગીરી હાથ ધરવામાં આવે તે માટે પ્રભારી સચિવ સંદીપકુમારે ઉપસ્થિત સંકલનના સૌ અધિકારીઓને ભારપૂર્વક સૂચનાઓ આપી હતી.