ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિમાં પ્રબોધિની એકાદશીને દેવઊઠી એકાદશી પણ કહે છે. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે. કાર્તિક સુદ એકાદશી એટલે પ્રબોધિની એકાદશી, જે એકાદશીઓમાં શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિદ્રા બાદ જાગ્રત થાય છે — એટલે તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ઠાકોરજી સમક્ષ ચોમાસા બાદ આવેલ નવા શાકભાજી, ફળ અને ધાન્યનો અન્નકૂટ ‘હાટડી’ સ્વરૂપે ધરાવવામાં આવે છે.
ગોંડલના અક્ષર મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં હાટડી ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. ૦૨ નવેમ્બર રવિવારે સવારે મહંત સ્વામી મહારાજની પ્રાતઃપૂજા દરમ્યાન ગુજરાત તેમજ વિવિધ પ્રાંતના જુદા જુદા પ્રચલિત શાકની સુંદર સુશોભિત હાટડી ગોઠવવામાં આવી હતી. બાળકો અને યુવાનોએ આજના પ્રસંગને અનુરૂપ કીર્તનો ગાઈને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. મંદિર પર ઠાકોરજી સમક્ષ અને અક્ષર દેરીમાં પણ વિવિધ પ્રકારના શાકની સુંદર ગોઠવણી કરી હાટડી રચવામાં આવી હતી. મંહતસ્વામી મહારાજે અહી પધારી ઠાકોરજી તેમજ અક્ષર દેરીમાં હાટડીના દર્શન કરી આરતી ઉતારી હતી. આ અવસરે સમગ્ર અક્ષર મંદિરના પરિસરને રંગબેરંગી રોશની તેમજ ધજા-પતાકા સાથે શણગારવામાં આવ્યું હતું.







































