બગસરાના ઝાંઝરીયા, વડીયાના જુના બાદનપુર ગામની
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજનાના ઘટક પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) હેઠળ બગસરા તાલુકાના ઝાંઝરીયા અને વડીયા તાલુકાના જુના બાદનપુરની પસંદગી થઈ છે. આ બંને ગામો આદર્શ ગામ બની શકે તેવા હેતુથી ગેપ ફિલીંગ હેઠળ વિવિધ કામગીરી અને ગ્રામ વિકાસ યોજના અંગે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા અનુસરણ સમિતિના સભ્ય સચિવ અને અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામકે યોજના અંતર્ગત ગ્રામ વિકાસનો પ્લાન જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યો હતો. જિલ્લા કલેક્ટરે આ પ્લાન અંતર્ગત સમિતિને યોગ્ય માર્ગદર્શન આપી અને ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવાની સૂચના આપી હતી. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાના નવા ગામ તરીકે જિલ્લાના આ બંને ગામમાં માળખાકિય સુવિધા, સામાજિક આર્થિક સુધારા માટેના પગલા લેવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ પાયારૂપ બનશે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે બંને ગામના ગ્રામ વિકાસ માટે ભૂગર્ભ ગટર, મધ્યાહ્ન ભોજન યોજના માટે શાળામાં શેડ, સ્મશાનની કામગીરી, સોલાર રૂફ ટોપ, સ્ટ્રીટલાઇટ સહિતના વિકાસ કામોને પ્રાધાન્ય આપવાની સૂચના આપી હતી.









































