પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં અમરેલી એસ.ટી.વિભાગે ૧ર૦ બસ ફાળવી
મુસાફરોના ખિસ્સા પર આર્થિક બોજા આવે તેવી સ્થિતિ, ખાનગી વાહનચાલકોને બખ્ખા થઈ જશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા.ર૦ના રોજ ભાવનગર મુકામે આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીના આગમન સમયે તેમના કાર્યક્રમમાં કોઈને અગવડતા ન પડે તે પડે તે માટે અમરેલી એસ.ટી.વિભાગ દ્વારા ૧ર૦ જેટલી બસ ફાળવી દેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૨૦ના રોજ ભાવનગરના પ્રવાસે આવવાના છે ત્યારે ભાવનગર-અલંગ સહિત સમગ્ર દેશના મહત્વના બંદરોના શિપિંગ-મેરિટાઇમ સહિતના જુદા જુદા પ્રકલ્પોના ૧.૫૦ લાખ કરોડના એમઓયુ ઘોષિત કરવાના છે. સ્થાનિક વહિવટી તંત્ર પણ સમગ્ર કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવા માટે ઉંધે માથે થયું છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજર રહેવા માટે લોકોને અગવડતા ન પડે તે માટે અમરેલી એેસ.ટી.વિભાગે કમર કસી છે. અમરેલી એસ.ટી.વિભાગે પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ૧ર૦ બસની ફાળવણી કરી છે. આ અંગે ડીટીઓ હીરીબેને જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં અમરેલી ડેપોમાંથી ૩૦, રાજુલા-કોડીનાર ડેપોમાંથી ૧૦-૧૦ બસ, ઉના ડેપોમાંથી ૧પ, સાવરકુંડલા ડેપોમાંથી રપ, ધારી-બગસરા ડેપોમાંથી ૧પ-૧પ બસની ફાળવણી કરવામાં આવી છે. આમ, અમરેલી એસ.ટી.ડિવિઝને ૧ર૦ બસની ફાળવણી કરતા મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વખત આવશે. જેથી આ દિવસે ખાનગી વાહનચાલકોને બખ્ખા થઈ જશે અને મુસાફરોને પણ આર્થિક ડામ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.
પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં બંદોબસ્ત માટે અમરેલી જિલ્લાના પ૦૦થી વધુ પોલીસ હાજર રહેશે
પ્રધાનમંત્રી મોદી આગામી તા.ર૦ને શનિવારના રોજ ભાવનગર ખાતે પધારી રહેલા છે. ત્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લા પોલીસના પ૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેશે. જેમાં ૧ એએસપી, ર ડીવાયએસપી, ૧૦ પીઆઈ, ૬ પીએસઆઈ, પ૦૦ પોલીસ કર્મચારીઓ, ૧ બીડીડીએસ (સ્નીફર ડોગ સાથે), પ ખાલી હાથ ડ્રાઈવર, ૧પ બોલેરો, ર મીની બસ, ૧ એમસીસીવી વ્હિકલ, ૧ હોર્સ વાહન પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં હાજર રહેશે.







































