પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણ રક્ષણ પહેલ એક
પેડ મા કે નામ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રીના ૭૪મા જન્મદિને મંગળવારે અમરેલી જિલ્લામાં સંકલિત વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. અમરેલી નગરમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નૂતન હાઈસ્કૂલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું અને નાગરિકોને વૃક્ષારોપણ કરવા આહવાન કર્યુ હતું. નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ કહ્યું કે, વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તેમની જ પહેલથી શરુ કરવામાં આવેલા અભિયાન અંતર્ગત
વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમણે સૌને એક વૃક્ષ વાવવાનો અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કહ્યુ કે, પ્રકૃતિના જતન માટે વૃક્ષારોપણ જરુરી છે. સૌ વિદ્યાર્થીઓ એક એક વૃક્ષ અચૂક વાવે અને વૃક્ષારોપણનો આ સંદેશ પોતાના પરિવાર સુધી પહોંચાડે. કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારી નાકિયા, જિ. શિક્ષણાધિકારી ગોહિલ, ચીફ ઓફિસર પટેલ, આચાર્ય, શિક્ષકો, પોલીસ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.