સોમવારે વડાપ્રધાનની કચ્છ મુલાકાતના પગલે વહીવટીતંત્રમાં તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી મેદની લાવવા-લઈ જવા માટે ૧૩૦૦ એસ.ટી. બસ રોકવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિમાં કચ્છ જિલ્લો સંવેદનશીલ રહ્યો છે અને પાકિસ્તાને ડ્રોન હુમલામાં તેને નિશાન બનાવ્યો હતો જેને ભારતની સેનાએ નિષ્ફળ બનાવેલ હતો. તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સરહદી જિલ્લાની મુલાકાત લીધા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત યોજાઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી સોમવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવનાર હોવાથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ પ્રધાનમંત્રીના આગમનથી અમરેલી જિલ્લાના મુસાફરોને બે દિવસ સુધી હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થનાર છે. કચ્છમાં જનમેદની એકત્ર કરવા માટે અમરેલી એસ.ટી.ડિવિઝન દ્વારા અધધ..૧૭પ જેટલી બસ ફાળવવામાં આવી છે જેના કારણે ૧ર૦થી વધુ રૂટને ગંભીર અસર પહોંચશે. બે દિવસ સુધી બસ અનિયમિત કે બંધ રહેનાર હોવાથી ખાનગી વાહનચાલકોને બખ્ખા રહેશે. ૧૭પ બસ રવિવાર બપોરથી જ કચ્છ માટે રવાના કરી દેવામાં આવશે. જેમાં અમરેલી ડેપોમાંથી ૪૭, બગસરામાંથી રપ, સાવરકુંડલામાંથી ૩૭, ઉનામાંથી રર, કોડીનારમાંથી ૧ર, ધારીમાંથી ર૦ અને રાજુલામાંથી ૧ર બસ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોકલવાની હોવાથી મુસાફરોને રવિવારથી જ હાલાકીનો સામનો કરવો પડશે અને તેમના સમયનો વ્યય થશે.