દિલ્હી અને મુંબઈ વચ્ચેની રણજી ટ્રોફી એલીટ ગ્રુપ ડી મેચ મુંબઈના બીકેસી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન મુંબઈના ખેલાડીઓને પ્રદૂષણને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેઓએ ચહેરા પર માસ્ક પહેર્યા હતા. એમસીએ બીકેસી ગ્રાઉન્ડ પર ત્રીજા સત્ર દરમિયાન ભારતીય અને મુંબઈના બેટ્‌સમેન સરફરાઝ ખાન, તેમના નાના ભાઈ મુશીર ખાન અને સ્પિનર હિમાંશુ સિંહ માસ્ક પહેરેલા જાવા મળ્યા.
એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૬૦ ની આસપાસ હતો. શહેરમાં પ્રદૂષણનું સ્તર ઊંચું હોવા છતાં, ખેલાડીઓ રમતી વખતે માસ્ક પહેરે તે સામાન્ય નથી. એમસીએ બીકેસી ગ્રાઉન્ડની બાજુમાં આવેલી એક બાંધકામ સાઇટે બપોરે પરિસ્થિતી વધુ ખરાબ કરી. લગભગ અડધા કલાક સુધી, મુંબઈના ત્રણ ખેલાડીઓએ ફિલ્ડિંગ કરતી વખતે માસ્ક પહેર્યા હતા પરંતુ બાદમાં તેમને કાઢી નાખ્યા.
માસ્ક પહેરેલા ખેલાડીઓ વિશે પૂછવામાં આવતા, મુંબઈના ફાસ્ટ બોલર મોહિત અવસ્થીએ કહ્યું, “અહીં એક નવી ઇમારત માટે બાંધકામનું કામ ચાલી રહ્યું છે. ખેલાડીઓને પ્રદૂષણનો અનુભવ થયો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, તેથી તેઓએ માસ્ક પહેર્યા.” મેચની સ્થિતિ
સનત સાંગવાનની શાનદાર સદી છતાં, દિલ્હી મુંબઈ સામે ગ્રુપ ડ્ઢ મેચના પહેલા દિવસે તેમની પ્રથમ ઇનિંગમાં ૨૨૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું. મુંબઈ તરફથી મોહિત અવસ્થીએ ૬૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. રમતના અંતે મુંબઈનો સ્કોર ૧૩ રન હતો. સનત સાંગવાને ૧૧૮ રનની ઇનિંગ રમી હતી, પરંતુ તેને અન્ય કોઈ બેટ્‌સમેન તરફથી ખાસ ટેકો મળ્યો ન હતો. તેણે સિઝનની પોતાની ત્રીજી સદી દરમિયાન ૨૧૮ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.