ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ સીરીઝની બીજી ટેસ્ટ મેચ ગુરુવાર, ૧૬ ડિસેમ્બરનાં રોજ એડિલેડમાં શરૂ થઈ હતી અને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે પહેલા જ દિવસે ઈંગ્લેન્ડનાં બોલરોને ખરાબ રીતે થકવાડી દીધા હતા. બ્રિસ્બેન ટેસ્ટનાં પ્રથમ ઇનિંગની જેમ ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરનું બેટ ગર્જ્‌યું પરંતુ બ્રિસ્બેનની જેમ ફરી એકવાર તે સદી ચૂકી ગયો.
એશિઝની બીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એડિલેડનાં મેદાન પર રમાઈ રહી છે. ગુરુવારે બીજી મેચનાં પ્રથમ દિવસે ઈંગ્લેન્ડનાં બોલરો માત્ર ૨ વિકેટ લઈ શક્યા હતા પરંતુ તેમણે રનની ગતિ પર નિયંત્રણ જોળવી રાખ્યું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ પૂરા દિવસમાં માત્ર ૨૨૧ રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. પરંતુ ડેવિડ વોર્નરે એક છેડો પકડી રાખ્યો હતો. અને પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતુ. એડિલેડ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પ્રથમ ૩૫ બોલમાં માત્ર ૧ રન બનાવનાર વોર્નરે બીજો અને ત્રીજો સેશનમાં જબરદસ્ત બેટિંગ કરી હતી. ત્રીજો સેશનમાં તે સદી તરફ આગળ વધી રહ્યો હતો,
પરંતુ ૯૫નાં સ્કોર પર તેણે બેન સ્ટોક્સની બોલ પર સ્ટુઅર્ટ બ્રોડને કવરમાં કેચ આપી દીધો. આ રીતે તે સતત બીજી ઇનિંગ્સમાં સદી ચૂકી ગયો હતો. બ્રિસ્બેન ટેસ્ટમાં પણ તે ૯૪નાં સ્કોર પર આઉટ થયો હતો. વોર્નરે આઉટ થવાની સાથે જ ૧૦૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જણાવી દઇએ કે, વોર્નર આ એશિઝમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડનાં બોલર જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ક્રિસ વોક્સ, ઓલી રોબિન્સન અને બેન સ્ટોક્સને સારી રીતે રમ્યા હતા. બીજી બાજુથી વોર્નરને માર્નસ લાબુશેનનો સારો સાથ મળ્યો. વોર્નરે પોતાની ઈનિંગમાં ૧૬૭ બોલમાં ૯૫ રન બનાવ્યા હતા. જેમાં ૧૧ ચોક્કાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જો ૧૦૦ વર્ષનાં રેકોર્ડની વાત કરીએ તો ૧૦૦ વર્ષમાં આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ બેટ્‌સમેન એશિઝની બે ઇનિંગ્સમાં નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો હોય. આ સીરીઝની પ્રથમ મેચની ઇનિંગમાં વોર્નર ૯૪ રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા ૧૯૨૧માં ઓસ્ટ્રેલિયાનાં ટોમી એન્ડ‰ઝે આ અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વોર્નરની કારકિર્દીની વાત કરીએ તો તે ત્રીજી વખત નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો છે.