કોરોના કાળ બાદ આમ આદમીની આર્થિક હાલત ડામાડોળ બની ગઈ હતી. અર્થતંત્ર ફરી ધબકતું થયુ છે છતાં સામાન્ય વર્ગની હાલત પૂર્વવત થઈ ન હોવાનો સંકેત બેંકલોન સંબંધી આંકડાકીય રીપોર્ટ પરથી ઉપસે છે. ઈતિહાસમાં પ્રથમ વખત ઉદ્યોગો કરતા પર્સનલ લોનનું પ્રમાણ વધુ માલુમ પડયું છે.
જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા માટે બેંક લોનના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે માર્ચ ૨૦૨૧ની સરખામણીએ ૩૦ સપ્ટેમ્બરે ઔદ્યોગીક લોનમાં ૬૬૨૩૯ કરોડનો ઘટાડો થયો છે. જયારે પર્સનલ લોનમાં ૭૩૦૧૧ કરોડની વૃદ્ધિ થઈ છે. સપ્ટેમ્બરના અંતે બેંકોની બાકી લોનનો આંકડો ૧૦૯.૫ લાખ કરોડ હતો તેમાં ઔદ્યોગીક લોનનો હિસ્સો એક વર્ષ અગાઉની સરખામણીમાં એક ટકા ઘટયો છે.
એક વર્ષ પુર્વે બેંકોની કુલ લોનમાં ઔદ્યોગીક ધિરાણ ૨૭ ટકા હતું તે હવે ઘટીને ૨૬ ટકા (૨૮.૩ લાખ કરોડ રૂપિયા) થઈ છે. બીજી તરફ પર્સનલ લોનનો હિસ્સો સપ્ટેમ્બર ૨૦૨૦માં ૨૫ ટકા હતો તે હવે વધીને ૨૭ ટકાએ પહોંચ્યો છે. લોકોની પર્સનલ લોન કુલ ૨૯.૨ લાખ કરોડની છે.
પર્સનલ સેગમેન્ટમાં બેંકોએ છેલ્લા છ મહિનામાં પોતાના પોર્ટફોલિયોમાં ૨૦૦૯૬ કરોડની હોમલોન ઉમેરી છે. ઓટો તથા ગોલ્ડ લોનમાં પણ ૩૦૦૦ કરોડની વૃદ્ધિ થઈ છે. અન્ય વ્યક્તિગત ધિરાણમાં ૪૫૦૦૦ કરોડનો વધારો છે. ૩૦ સપ્ટેમ્બરે પૂર્ણ થયેલા છ મહિના દરમ્યાન વ્યક્તિગત લોનના બાકી ધિરાણમાં ૭૩૦૦૦ કરોડનો વધારો થયો છે તેનાથી વ્યક્તિગત ધિરાણ પોર્ટફોલીયો ૨૯.૧૮ લાખ કરોડ સુધી પહોંચ્યો છે.