(એ.આર.એલ),રાંચી,તા.૩૧
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ ૬૮૫ ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર ૫૮ નામો પાછા ખેંચાયા બાદ આ સંખ્યા નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં ૪૩ વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કાની ચૂંટણી ૧૩ નવેમ્બરે યોજાશે. આ બેઠકો માટે ૧૮ થી ૨૫ ઓક્ટોબરની વચ્ચે ૮૦૫ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. નામાંકનોની ચકાસણી બાદ ૭૪૩ નામાંકન સ્વીકારવામાં આવ્યા હતા.
મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે ઝારખંડ ચૂંટણીના પ્રથમ તબક્કા માટે કુલ ૬૮૫ ઉમેદવારો મેદાનમાં છે. જમશેદપુર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ ૨૮ ઉમેદવારો છે. જ્યારે જગન્નાથપુરમાં સૌથી ઓછા આઠ ઉમેદવારો છે. ૨૦૧૯માં આ ૪૩ બેઠકો પર કુલ ૬૩૩ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.
૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભા માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૧૩ નવેમ્બરે અને બીજા તબક્કામાં ૨૦ નવેમ્બરે મતદાન થશે. મતગણતરી ૨૩ નવેમ્બરે થશે. બીજા તબક્કાની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા મંગળવારે સમાપ્ત થઈ ગઈ. જેમાં કુલ ૬૩૪ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ૨૦ નવેમ્બરે ૩૮ વિધાનસભા બેઠકો પર મતદાન થશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઝારખંડ પોલીસે સૌથી વધુ ૧૨૧.૧૪ કરોડ રૂપિયાની રોકડ અને સામગ્રી જપ્ત કરી છે. ખુંટીમાં સૌથી વધુ ૩.૦૩ કરોડની જપ્તી કરવામાં આવી હતી. જ્યારે ગિરિડીહમાં ૨.૮૦ કરોડ રૂપિયા અને પૂર્વ સિંઘભૂમમાં ૧.૯૭ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
મુખ્ય ચૂંટણી અધિકારી રવિ કુમારે કહ્યું કે તેમને હજુ સુધી હુમલા અંગે કોઈ વિગતવાર અહેવાલ મળ્યો નથી. પરંતુ આશા છે કે આવતીકાલે તેમને આ રિપોર્ટ મળી જશે. તેમણે કહ્યું કે આચારસંહિતાના ભંગ બદલ અત્યાર સુધીમાં ૨૨ એફઆઇઆર નોંધવામાં આવી છે અને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Home રસધાર રાજકીય રસધાર પ્રથમ તબક્કામાં કુલ ૬૮૫ ઉમેદવારો મેદાનમાં, જમશેદપુર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ...