નાના હતા ત્યારે અમે કોઈ અવળચંડાઇ કરતા તો ઘટના સ્થળે હાજર હોય એ અમારા ગામના કોઈપણ વડીલ અમને ધોકાવી નાખતા. એ વડીલ કોણ છે ? એ લપમાં અમે ન પડતા અને અમે કોના છોકરા છીએ, એ લપમાં કોઈ વડીલ ન પડતા. અમારી કરુણતા એ હતી કે એ ફરિયાદ અમે ઘેર પણ ન કરી શકતા. જો કરીએ તો ત્યાં એમ કહીને પણ માર પડતો કે તે જ કઈક બદમાશી કરી હશે. અમારી સ્થિતિ ત્યારે અદ્દલ આજના પાકિસ્તાન જેવી હતી. ભારતે સારીપટ ધોકાવી નાખ્યું, તો’યે કોઈને કહે શકે તેમ નથી કે અમને લમધારી નાખ્યા. જાંઘના જખમ છે, કોને દેખાડવા ? ભારતે પહેલગામના બર્બર આતંકી હુમલાનો આક્રમક જવાબ આપ્યો. પાકિસ્તાન અને વિશ્વે આટલી તીખી અને ગંભીર પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી રાખી. હિન્દુસ્તાનમાં આતંકવાદી હુમલાઓ બાદના ૨૦૧૪ સુધીના જવાબો ડીપ્લોમેટીક રહ્યા હતા. ડોઝીયર, ડીનર ડિપ્લોમસી, દ્વિપક્ષીય વાટાઘાટો, સચિવ સ્તરની વાતચીત જેવા શબ્દો દરેક આતંકવાદી હુમલા બાદ ઉછળતા ભારતની પ્રજાએ સાંભળ્યા છે. આતંકી હુમલા બાદ જવાબ ન આપવા ચૂંટણી અને મતબેંક જેવા વાહિયાત તર્ક રજૂ થયા છે. ૨૦૧૪ સુધી ભારતના નેતાઓએ પોતાના રાજકીય એજન્ડાઓ અંતર્ગત નપુંસકોની જેમ ક્ષમા ક્ષમાનું કોરસ ગાયે રાખ્યું હતું. વાતચીતના બદલે ધમકીઓ અને બોફોર્સના ગોળા ઉછળતા છેલ્લા દાયકાથી જ જોવા મળતા થયા છે. પહેલી વખત કદાચ આતંકીઓને અફસોસ થતો હશે (જે જીવતા હશે તેને…) કે ધર્મ પૂછીને મારવાની કોઈ જરૂર નહોતી. આ વળતા જવાબી હુમલામાં સ્થિતિની મજબૂતાઈ એ રહી કે આ વખતે ભારતીય રણનીતિ સામે ભારતની જનતાને અમેરિકા જેવા દેશની ભૂમિકા પણ કોમેડી જેવી લાગી. ચીન મૌન રહ્યું. સપાટી પર સ્પષ્ટ દેખાઈ આવ્યું કે ભારત અમેરિકા અને ચીનને આ બાબતે સીરીયસલી નથી લઇ રહ્યું. અમેરિકાએ આજદિન સુધી ક્યારેય ‘તમે બંને તમારું ફોડી લો’ જેવો અભિગમ નથી અપનાવ્યો. દેશના સામાન્ય જનને એ ખ્યાલ હતો કે મોદી આ વખતે કોઈનું સાંભળવાના નથી. તાકાત માત્ર યુદ્ધ મોરચે જ બતાવવાની નથી હોતી. પાકિસ્તાન જો વિશ્વકક્ષાએ એકલું પડી ગયું હતું, તો એ ભારતની આંતરરાષ્ટ્રીય કૂટનીતિ હતી. જે તુર્કીને ભારતે તાજેતરમાં થયેલા ભૂકંપ બાદ ઓપરેશન ‘દોસ્ત’ અંતર્ગત સૌથી પહેલી મદદ પહોચાડી હતી, એ તુર્કી યુદ્ધ વખતે પાકિસ્તાનને ડ્રોન આપીને મદદ કરી ગયું. સરકારે તો ચોક્કસ રણનીતિ ઘડી જ કાઢી હશે તુર્કી સામે, પણ દેશની જનતાએ સૌથી મોટો બોધપાઠ અગર કોઈ દેશ પાસેથી લેવાનો હોય તો એ પાકિસ્તાન, ચીન કે અમેરિકા નથી, એ છે નમકહરામ તુર્કી. ૨૦૨૩ના ભૂકંપ બાદ માત્ર ૧૨ કલાકમાં ભારતે તુર્કી મદદ પહોચાડી હતી. ઓપરેશન સિંદુર સમયે તુર્કી યુદ્ધ અને ડિપ્લોમેટિક, બંને મોરચે પાકિસ્તાનની સાથે ઉભું રહ્યું હતું. સરકાર કોઈ પગલા લે એ પહેલા દેશની જનતાએ તુર્કી ઉપર ટુરીઝમ અને ટ્રેડ મોરચે હુમલો કરીને એક મોટો સંદેશ વિશ્વને આપી દીધો છે. જેની મરવાની તૈયારી છે, એ જ યુદ્ધ જીતે છે, અને યુદ્ધ પછી જીવતો રહે છે. આ યુદ્ધનો નિયમ છે. આપણે ત્યાં કહેવત છે કે પહેલો ઘા રાણાનો, કદાચ આ આધુનિક યુગમાં છેલ્લો ઘા પણ રાણાનો હોઈ શકે છે. ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ ખરું, પણ એક હદ સુધી જ. પછી તો રાણો રાણાની રીતે જ હોય.
જે રાજાના હાથમાં રાજદંડ છે, અને રાક્ષસી પ્રવૃત્તિઓ સામે જો એ વાપરતો નથી તો એ રાજાને વિના વિલંબ સિંહાસન પરથી ઉતારી મુકવો જોઈએ. રાજદંડ એ પણ રાજધર્મ છે. ધણધણી ગયા બાદ સ્ટેનગનના નાળચામાંથી નીકળતા ધુમાડા અને ધમાકો થઇ ગયા બાદ બોફોર્સના ગોળાના બારૂદની ખુશ્બૂથી હિન્દુસ્તાને ટેવાઈ જવું પડશે. જો તમારે નિર્દોષ નાગરિકોની લોહીથી ખરડાયેલી તવારીખો ન જોવી હોય તો રાજદંડ હાથમાં જ રાખવો પડશે. ક્યારેક તમારો આક્રમક સ્વભાવ કે વલણ પણ દુશ્મનને શાંત અને તમને સુખી રાખે છે.
સૌથી મોટો બોધપાઠ, કે શાંતિકાળમાં કરેલ તૈયારીઓ યુદ્ધ વખતે કામ લાગે છે. શસ્ત્ર સરંજામ ક્ષેત્રે ભારતે છેલ્લા દાયકામાં લાંબી મજલ કાપી છે. ભારતીય સેનામાં આજે સ્વદેશી બનાવટના હથિયારો અને ઘરઆંગણાની ટેકનોલોજીના ઉપયોગની માત્રા સતત બહોળી થઇ રહી છે. ભારત જાણે છે કે આ મોરચે સતત અન્ય દેશોના ભરોસે રહેવું સુરક્ષા તો ઠીક, અર્થતંત્રને પણ પાલવે તેમ નથી. શસ્ત્ર હોવા પણ શાંતિની પૂર્વશરત છે. જેટલા ઘાતક અને વિનાશક શસ્ત્રો તમારા ભાથામાં હોય, એટલી શાંતિ તમારા પક્ષે હોવાની શક્યતા વધુ રહેવાની. રાષ્ટ્રકવિ રામધારીસિંહ ‘દિનકરે’ કુરુક્ષેત્ર મહાકાવ્ય લખ્યું છે, જેમાં યુધિષ્ઠિર ભીષ્મ સંવાદ છે, આ મહાકાવ્યના ત્રીજા પર્વના અમુક અંશો અહી ટાંક્યા છે, જે સાંપ્રત પરિસ્થિતિમાં સૂચક છે.
‘ક્ષમાશીલ હો રિપુ-સમક્ષ તુમ હુએ વિનત જીતના હી, દુષ્ટ કૌરવોને તુમકો કાયર સમજા ઉતના હી.’ ( તમે જેટલા વિનયથી વર્ત્યા, કૌરવોએ તમને એટલા જ કાયર સમજ્યા.)
‘ક્ષમા શોભતી ઉસ ભુજંગકો, જિસકે પાસ ગરલ હો, ઉસકો ક્યા, જો દંતહીન, વિષરહિત, વિનીત સરલ હો.’ ( જે તાકતવર છે, સક્ષમ છે, તેની ક્ષમા જ શોભે છે. કાયર, નપુંસકની ક્ષમા કોઈ કામની નથી.)
‘સહનશીલતા, ક્ષમા દયા કો તભી પૂજતા જગ હૈ, બલ કા દર્પ ચમકતા ઉસકે પીછે જબ જગમગ હૈ.’ ( તેની સહનશીલતા, ક્ષમા અને દયાને જગત પૂજે છે, જેની પાસે બળનું ગૌરવ હોય છે.)
‘પ્રતિશોધ સે હૈ હોતી શૌર્ય કી શિખાએ દિપ્ત, પ્રતિશોધ-હીનતા નરો મેં મહાપાપ હૈ. ‘ (પ્રતીશોધથી જ શૌર્યની શિખાઓ દૈદીપ્યમાન થાય છે, જે પ્રતિશોધ નથી કરતો એ મહાપાપ છે.)
‘છોડ પ્રતીવૈર પીતે મૂક અપમાન વે હી, જિનમેં ન શેષ સૂરતા કા વહ્ની-તાપ હૈ.’
( જેનામાં સૂરતા ન બચી હોય તેઓ જ પ્રતિશોધ છોડીને અપમાનને પિતા રહે છે.)
ક્વિક નોટ — “ ઉંદર પકડવા માટે ટેંક કે ટ્રકની જરૂર નથી, ફક્ત બિલાડી જ જોઈએ.” –
જ્યોર્જ ગ્રીવાસ
production@infiniumpharmachem.com