ભારતે પહેલગામ આતંકી હુમલા બાદ હાથ ધરેલ ઓપરેશન સિંદૂર દરમિયાન ૫૦ સાંસદોનું પ્રતિનિધિમંડળ દુનિયાના લગભગ ત્રણ ડઝન દેશોમાં મોકલ્યુ હતું. એ દેશોમાં જઈને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને બેનકાબ કરવાનું એમનું કામ હતું. દેશના વિવિધ પક્ષોના ચૂંટાયેલા સાંસદો આ મંડળમાં સામેલ હતા. કોંગ્રેસથી લઈને દરેક નાનામોટા પક્ષના સાંસદો આમાં સામેલ હતા. આ પહેલો બનાવ નહોતો જયારે સત્તાધારી સરકારે વિપક્ષમાંથી વ્યક્તિ પસંદગી કરીને દેશનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા હોય. ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૪ના રોજ પાકિસ્તાન દ્વારા ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનને હાથો બનાવીને કાશ્મીરમાં કથિત માનવાધિકાર ભંગનો ભારત વિરુદ્ધ પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. આ એ સમય હતો જ્યારે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સામે બઢતમાં હતું. વર્ષોથી કરોડરજ્જૂ વિનાના પોચકા પ્રતિનિધિત્વે ભારતનો કેસ લૂલો કરી નાખ્યો હતો. જો આ પ્રસ્તાવ પાસ થાય તો ભારતે યુનાઇટેડ નેશન્સ સિક્યુરીટી કાઉન્સિલના પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે તેમ હતો. આ પ્રસ્તાવ વિરુદ્ધ રજૂઆત કરવા ભારત દ્વારા પ્રતિનિધિ મંડળ મોકલવામાં આવ્યું હતું. દેશના કોંગ્રેસી વડાપ્રધાન નરસિમ્હારાવે એ સમયના વિપક્ષના નેતા વાજપેયીને આ પ્રતિનિધિ મંડળમાં સામેલ રાખ્યા હતા. અને આ મંડળ યુનોમાં ભારત તરફી સફળ રજૂઆતો કરીને પ્રસ્તાવને ખારીજ કરાવવામાં સફળ રહ્યું હતું. દેશના પ્રથમ પ્રધાનમંડળમાં જનસંઘના સંસ્થાપક ડા. શ્યામાપ્રસાદ મુખર્જીને સામેલ રાખવામાં આવ્યા હતા. વાજપેયી સરકાર દ્વારા પણ બધાને સાથે લઈને ચાલવાની નીતિ રાખવામાં આવી હતી.
એ સરકારનું જમા પાસું બની રહે છે જો સરકાર વિપક્ષની પ્રતિભાઓનો દેશ માટે ઉપયોગ કરી શકે. કોઈપણ પક્ષને આ બાબતમાં એતરાઝ હોવો જોઈએ નહિ. વિપક્ષ માત્ર સરકારના વિરોધ માટે નથી હોતો. જયારે દેશને જરૂર પડે અને સત્તાધારી પક્ષ કે પક્ષો ઈચ્છે તો દરેકે રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપવું ફરજ છે. આજે આખો દેશ એ સાંસદો પ્રત્યે અહોભાવથી જુએ છે. ગઈકાલ સુધી જે સરકારના પગલાઓની આકરી ટીકા કરતા હતા એ આજે દેશ માટે સરકાર સાથે ખભો મિલાવીને સરકાર વતી વિશ્વમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને દેશની પ્રજા તેમને બિરદાવી રહી છે. અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનનું વિધાન છે કે એ વ્યક્તિને જ આલોચના કરવાનો અધિકાર છે જે મદદ કરવાની ભાવના રાખે છે. બેશક આવતીકાલે ભલે એ સામસામા ચૂંટણીઓ લડે અને ચૂંટણી લક્ષી આક્ષેપ પ્રતિ-આક્ષેપ કરે, પણ આજે જયારે દેશને તેની પ્રતિભાની જરૂર પડી છે ત્યારે તેણે દેશ માટે તેનો ઉપયોગ કર્યો છે. ટોળાની યાદદાસ્ત નબળી હોય છે, પણ પ્રજા સારી વાતો લાંબા સમય સુધી યાદ રાખે છે.
આપણે સૌ કોંગ્રેસી આગેવાન અને સાંસદ શશિ થરુરના અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વથી પરિચિત હતા. એમના અસ્ખલિત વાક્પ્રવાહના મીમ્સ સોશ્યલ મીડિયા પર ખુબ ચાલતા. એવી ક્યાં ખબર હતી કે એમનું આ ભાષાજ્ઞાન દેશ માટે આવા તબક્કે ખુબ ઉપયોગી બની રહેશે. ઓવૈસી પણ એવા જ એક નેતા છે. ઓવૈસી સરકાર વિરુદ્ધ પોતાની રાજકીય આક્રમકતા માટે જાણીતા છે.
આભાર – નિહારીકા રવિયા ભારતીય મુસ્લિમ નેતાગીરીનો એક ગણમાન્ય ચહેરો છે. સત્તાધારી પક્ષ ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખુબ આકરી રાજકીય ભાષામાં તેઓ વાત કરે છે. એમની આ આક્રમકતા પણ પાકિસ્તાનને ધોબીપછાડ આપવામાં ખુબ કામ લાગી છે. આ માત્ર બે જાણીતા ચહેરાઓની વાત છે. એવા ઘણા પ્રતિભાશાળી સદસ્યો હતા જેણે પોતાની ખાસિયત અને તાકાતનો દેશ માટે ઉભા થયેલા આ અવસરમાં બખૂબી ઉપયોગ કર્યો છે. એમણે એવા બેખોફ નિવેદનો પાકિસ્તાન વિરુદ્ધ કર્યા છે, જેવા નિવેદનો કરતા કદાચ કોઈપણ બે વખત વિચાર કરે. કોલંબિયા જેવા દેશે જેણે પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું તેણે થરૂરની મુલાકાત બાદ પોતાના સૂર બદલીને ભારતને મજબૂત ટેકો જાહેર કર્યો છે. કદાચ સરકારને પણ આવા પરિણામોની અપેક્ષા નહિ હોય. આ પગલાથી વિશ્વ સ્તરે પાકિસ્તાન સામે ભારતનો મોટો કૂટનીતિક વિજય થયો છે. ભારતના આ પગલાથી દુનિયામાં એક સંદેશ સ્પષ્ટ ગયો છે કે જયારે દેશના સાર્વભૌમ અને અખંડતા પર આઘાત થાય છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સિવાય ભારતના નેતાઓ દેશ માટેની બાબત માટે એક સૂરમાં વાત કરે છે. બીજા કોઈ ખાસ પક્ષ સિવાય કોંગ્રેસમાં આ પ્રતિનિધિમંડળ વિરુદ્ધ ગણગણાટ શરુ થઇ ગયો છે. કોંગ્રેસમાંથી શશિ થરુર, મનીષ તિવારી, સલમાન ખુર્શીદ, આનંદ શર્મા, પૂર્વ કોંગ્રેસી ગુલામનબી આઝાદ જેવા ધુરંધરો સામેલ હતા કે જેણે દુનિયાના અલગ અલગ દેશોમાં આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો મજબૂત પક્ષ રાખ્યો. રાજકીય ગલીયારામાં એવો ગણગણાટ પણ થઇ રહ્યો છે કે નરેન્દ્ર મોદી સરકારે કોંગ્રેસના આ પ્રતિનિધિઓ પસંદ કરીને રાહુલ ગાંધીનું કદ કોંગ્રેસ અને વિપક્ષના નેતા તરીકે વેતરી નાખ્યું છે. સરકારે કોંગ્રેસને તેમના તરફથી કોણ પ્રતિનિધિ આ સર્વદલીય મંડળમાં જશે એની પસંદગીનો અવકાશ પણ આપ્યો નથી. કોંગ્રેસમાં ચણભણ થવી લાઝમી છે. કોંગ્રેસમાં બીજી અને ત્રીજી કેડરને જે રીતે હાંસિયામાં ધકેલી દેવામાં આવી છે એવા સમયે આ પ્રતિનિધિત્વ એમને મુખ્યધારામાં લાવી શકે છે. જે વિપક્ષી નેતાઓ ભારતીય જનતા પક્ષની વિચારધારા સાથે ભલે ન જોડાઈ શકે તેમ હોય, તેઓ દેશની મુખ્ય વિચારધારામાં જરૂર સામેલ થઇ શકે છે.
ખુબ મોટા અને અનેક મોરચાથી લડવાનું હોય, ત્યારે દરેક મોરચે એક સેનાપતિની જરૂર પડે છે. રાજા ભેદભાવ ભૂલીને યોગ્ય તાકાતને મોરચે લગાડે તો વિજયની સંભાવનાઓ વધી જાય છે. ભારતનું પાકિસ્તાન સાથે યુદ્ધ અનેક મોરચે લડાઈ રહ્યું છે. પોતાની વિચારધારા સાથે સંમત ન હોય તેવા સેનાપતિઓની પસંદગી કરીને વડાપ્રધાને પોતાની કૂનેહનો ફરી એકવાર પરિચય આપ્યો છે.
ક્વિક નોટ — DO I NOT DESTROY MY ENEMIES, WHEN MAKE THEM MY FRIENDS? – ABRAHAM LINCOLN
production@infiniumpharmachem.com