સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા જમનાબા વિદ્યાર્થી ભવનમાં ૧૩૬મો “થર્સ-ડે થોટ” વિચારોનું વાવેતર કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ બાળકોની કલ્પના શક્તિ, જીવનમાં અભિગમનું મહત્વ અને મનુષ્યના વિકાસ પર પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે માણસના વિચારો અને અભિગમ જ જીવનનું દિશાનિર્દેશ કરે છે. “સારું માણસ બનવાની ઈચ્છા જ પ્રગતિશીલ અભિગમની સાચી દિશા છે,” એમ તેમણે ભારપૂર્વક કહ્યું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે “માય મોલ”ના ફાઉન્ડર મેહુલભાઈ હિરપરાએ કરિયાણાની દુકાનથી સફળ બ્રાન્ડ સુધીની પોતાની પ્રેરણાદાયક સફર સંભળાવી. ધો. ૯ સુધી અભ્યાસ કર્યા બાદ પણ મોટા સપનાઓ સાથે કામ કરવાની ટેવ અને નવા વિચારો અપનાવવાની હિંમત જ સફળતાનું રહસ્ય છે, એમ તેમણે જણાવ્યું. હિરપરા પરિવાર તરફથી જમનાબા ભવન નિર્માણ માટે રૂ. ૨૧ લાખનો સહયોગ જાહેર કરતા તેમને દાતા ટ્રસ્ટી તરીકે સન્માનિત કરવામાં આવ્યા. દક્ષિણ ગુજરાતના રિજનલ કમિશનર આર.સી. પટેલે કાર્યક્રમમાં માનસિક ઉંમર અને સકારાત્મક વિચારોની શક્તિ વિશે ઉદ્બોધન કર્યું. તેમણે “વિચારોનું વાવેતર” કાર્યક્રમને ઊર્જાનું કેન્દ્ર ગણાવ્યો.









































