ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટ (KDVS) માંથી તાલીમ મેળવીને પોલીસ વિભાગમાં તાજેતરમાં ૮૫ તાલીમાર્થીઓ પસંદગી પામ્યા છે. ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ડંકો વગાડ્યો છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લોકરક્ષક દળ (LRD) ની આ પરીક્ષામાં ૮૫ યુવક-યુવતીઓ ઉત્તીર્ણ થયા છે. આ તમામ તાલીમાર્થીઓએ રાજકોટ સ્થિત સરદાર પટેલ ભવનમાં ચાલતાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટ સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી માટે દોડ સહિતની સઘન તાલીમ મેળવી હતી. સરકારી નોકરી મેળવનારા તમામ તાલીમાર્થીઓને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા છે. પોલીસ વિભાગમાં પસંદગી પામેલા તમામ તાલીમાર્થીઓને ટ્રસ્ટીઓ, કન્વીનરો અને સમાજ શ્રેષ્ઠીઓએ પણ અભિનંદન પાઠવ્યા છે.









































