રાજકોટ શહેરના એલસીબી ઝોન-૧માં પીએસઆઇ અને હાલ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભરત વી. બોરીસાગર વિરુદ્ધ રાજકોટની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ગંભીર ફોજદારી ગુનો નોંધવાનો હુકમ કર્યો છે. ૧.૫૦ કરોડના હવાલા કૌભાંડની તપાસ દરમિયાન વેપારીને અસહ્ય માર મારવો, પ્રાઇવેટ પાર્ટમાં ૧૦-૧૫ વખત ઇલેસ્ટ્રીકક શોર્ટસ આપવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ચોંકાવનારા આરોપો કોર્ટે પુરવાર માન્યા બાદ આ આદેશ આપવામાં આવ્યો છે.ફરિયાદી રોહિત હેમંત ચંદ્રાલા ખોડિયાર એગ્રી ફ્લોર મિલ્સ પ્રા. લિ. નામની કંપનીના માલિક છે. તેને ધ્વની ઇન્ટરનેશનલ અને બાલાજી એકસીમ કંપનીઓને માલ વેચ્યો હતો, જેની રકામ બાકી હતી. આ બંને કંપનીઓના માલિક દિલીપ રણછોડ સખીયાએ રોહિતને ૧.૫૦ કરોડ વ્યાજે આપ્યા હતા અને વ્યાજ ચૂકવવામાં આવતું હતું. પાછળથી જ્યારે રોહિતએ પોતાના માલની રકામ મેળવવા દબાણ કર્યું ત્યારે દિલીપ સખીયાએ આખી રકમ એલસીબી ઝોન-૧ના તત્કાલીન પીએસઆઇ ભરત બોરીસાગરને હવાલે આપી દીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.તારીખ ૧૧ જુલાઈ ૨૦૨૩ના રોજ પીએસઆઇ ભરત બોરીસાગર તથા તેમના સ્ટાફના સાત પોલીસ કર્મીઓએ રોહિત ચંદ્રાલાને એલ.સી.બી. કચેરીમાં ગોંધી રાખીને લોખંડની બેડીઓથી માર માર્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પ્રાઇવેટ પાર્ટમાં ૧૦ થી ૧૫ વખત ઇલેસ્ટ્રીકક શોર્ટસ આપવામાં આવ્યા હતા અને “આજે તારો છેલ્લો દિવસ છે” જેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.આ ઘટના બાદ રોહિત ચંદ્રાલાએ રાજકોટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી ઇન્ક્વાયરી નં. ૩૦૨/૨૦૨૩ દાખલ કરી હતી. કોર્ટે તમામ આરોપીઓને ભરત બોરીસાગર, યશવંત રણછોડ સખીયા, દિલીપ રણછોડ સખીયા તથા અન્ય પોલીસ કર્મીઓને હાજર રહેવા નોટિસ પાઠવી હતી.








































