ઉત્તર પ્રદેશ પોલીસની કાર્યશૈલીને લઈને હંમેશા વિપક્ષ ત્યાંની યોગી સરકાર પર સવાલ ઉઠાવતો રહે છે. ક્યારેક રાજ્યમાં થતા એન્કાઉન્ટરને લઈને તો ક્યારેક રાજ્યની કાયદા વ્યવસ્થાના મુદ્દે. એકવાર ફરીથી યુપી પોલીસ પોતાની કાર્યશૈલીના કારણે ચર્ચામાં છે. વાત જોણે એમ છે કે ઉત્તર પ્રદેશ પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસકર્મી એક વ્યક્તિને નિર્દયતાથી મારે છે. આ વીડિયોમાં જે વ્યક્તિ માર ખાય છે તેના હાથમાં એક નાનું માસૂમ બાળક પણ છે અને તે મોટે મોટેથી બૂમો પણ પાડે છે કે હાથમાં બાળક છે. વીડિયોને ધ્યાનથી સાંભળતા યુવક એવું કહેતો જણાય છે કે સાહેબ મારો નહીં. બાળકને વાગશે. વાત જોણે એમ છે કે હાથમાં બાળકને લઈને માર ખાતો વ્યક્તિ પુનિત શુક્લા છે અને તેની પીટાઈ કરનાર પોલીસકર્મી વિનોદકુમાર મિશ્રા છે. જેમને આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે.
આ મામલો કાનપુર ગ્રામીણનો છે. અહીં કેટલાક લોકો જિલ્લા હોસ્પિટલમાં મેડિકલ કોલેજ નિર્માણના કારણે સરકારી આવાસોની આજુબાજુ ગંદકી, પાણી ભરાવવા અને રોડની ખરાબ સ્થિતિને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા. વિરોધ કરનારા લોકો પણ સરકારી કર્મચારીઓ જ છે. જિલ્લા હોસ્પિટલમાં આ પ્રકારની ગંદકીના કારણે ડોક્ટરો અને કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કર્યો અને ગુરુવારે ૯ ડિસેમ્બરના રોજ ઓપીડીના ગેટ પણ બંધ કરીને ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા.
કહેવાય છે કે ધરણા પર બેઠેલા લોકોને ઉઠાડવા માટે પોલીસ ત્યાં પહોંચી તો બંને પક્ષોમાં હાથાપાઈ થઈ. પોલીસે આરોપ લગાવ્યો કે આ હડતાળનું નેતૃત્વ કરનારા રજનીશ શુકલાએ અકબરપુર પોલીસ મથકના વી કે મિશ્રાનો અંગૂઠો દઝાડ્યો હતો. આ ઘટના બાદ જ પોલીસે અહીં બળ પ્રયોગ કર્યો.
કોંગ્રેસ નેતા શ્રી નિવાસ બીવીએ આ ઘટનાને લઈને રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધ્યું અને તેમણે વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે યોગીજી આ માસૂમની ચીસો તમને સૂવા કેમ દે છે. વીડિયો જોત જોતામાં વાયરલ થઈ ગયો અને તેના પર જ્યારે બબાલ વધી તો યુપી પોલીસે સ્પષ્ટતા માટે આગળ આવવું પડ્યું. પોલીસે કહ્યું કે હાથમાં બાળકવાળા વ્યક્તિ પર લાઠીચાર્જ મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે. આ મામલે એડીજી ઝોન કાનપુરને તપાસ કરીને દોષિત પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.
પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ હોસ્પિટલની ઓપીડી સેવાઓ બંધ કરી હતી. સીએમએસની ભલામણ પર પોલીસે હોસ્પિટલની સેવાઓ ફરીથી બહાલ કરવાની કોશિશ કરી અને
પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે અભદ્રતા કરી. પ્રદર્શનકારીઓના ઉગ્ર પ્રદર્શનને નિયંત્રિત કરવા દરમિયાન આ દુખદ ઘટના ઘટી જે આપત્તિજનક છે. ડીજીપી ઝોન કાનપુર ભાનુ ભાસ્કરને તપાસ સોંપવામાં આવી હતી. એડીજીએ પોતાની તપાસમાં વિનોદકુમાર મિશ્રાને બર્બરતાના દોષિત ગણાવ્યાં અને હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.