અમરેલી જિલ્લામાં હાઈ રિસ્ક દેશોમાંથી ૬ લોકો પ્રવેશી ચુકયા છે, હાલ તો તેઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે પરંતુ જા આ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેના માટે તંત્ર અત્યારથી જ સજાગ બની ગયું છે. જેને લઈ અમરેલી પોલીસ દ્વારા આજથી માસ્ક વગર આંટા મારતા લોકો સામે કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા હતા. પોલીસે કડક કાર્યવાહી કરવાનું જણાવતા અમરેલી શહેર અને જિલ્લામાં પોલીસના ડરથી લોકો માસ્ક પહેરશે તેવુ લાગી રહ્યુ હતુંં પરંતુ બેજવાબદાર લોકોને પોલીસની કડક ચેતવણીથી પણ કોઈ ફર્ક પડયો નથી. અમરેલી શહેરની માર્કેટ, બસ સ્ટેશન સહિત અનેક સ્થળોએ લોકો મોઢે માસ્ક પહેર્યા વગર બેખોફ આંટા મારી રહ્યાં છે. તંત્ર દ્વારા અનેકવાર ગાઈડલાઈનનું પાલન કરવા માટે જણાવવામાં આવે છે પરંતુ લોકોએ ‘હમ નહી સુધરેંગે‘નું સૂત્ર અપનાવ્યુ તેમ લાગી રહ્યું છે. જા કે પોલીસ ખુલ્લા મોઢે આંટા મારતા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરશે ત્યારે કહેવાતા આગેવાનો બેજવાબદાર લોકોનો પક્ષ લઈ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવશે. નવા વાયરસ ઓમિક્રોનને ઈજન આપનારા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી શરૂ કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે.