સુરેન્દ્રનગરના સડલા ગામે કોળી સમાજના આધેડનું મૃત્યુ થયું છે. આ મામલે મૃતકના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે અને આધેડના મૃત્યુ માટે પોલીસને જવાબદાર ગણાવી છે. આ ઘટનામાં યુવક-યુવતીએ લગ્ન કરી લેતા યુવકના પિતાને સુરેન્દ્રનગર પોલીસ પકડી ગઇ હતી. ત્યારે પોલીસે માનસિક ટોર્ચર કરી ઢોર માર માર્યાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યાં છે અને આ વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. કોળી સમાજ દ્વારા પણ આ બાબતે હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ કુંવરજી બાવળીયાએ પણ તેનું સમર્થન કર્યું છે.
આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસ પર મૃતકનાં પરિવારજનોએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, પોલીસના મારથી આધેડનું મોત થયું છે. મૃતકના પરિવારજનોએ સુરેન્દ્રનગર પોલીસ પર આક્ષેપ લગાવતા હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો છે.
૪૦ જેટલાં લોકો હોસ્પિટલમાં ધરણાં પર બેઠા છે. મૃતકનો પરિવાર ન્યાય મળે તેવી માંગ કરી રહ્યો છે. ઉપરાંત સુ પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાએ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને કોળી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
કુંવરજી બાવળિયાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘હું આ પરિવાર અને સમાજ સાથે છું. પોલીસની દમનગીરી સામે ફરિયાદ થવી જોઇએ. સમગ્ર ઘટના ઘટી તે આઘાતજનક છે. પોલીસ પરિવારને જોણ કર્યા વિના ઉઠાવી ગઇ જે યોગ્ય નથી. અપહરણની ફરિયાદ પોલીસ સામે થવી જોઇએ. પહેલાં પોલીસ ફરિયાદ થાય પછી ધરણાં સમેટાશે. કારખાનામાં આવેલી પોલીસ બારોબાર તેઓને ઉઠાવી ગઇ.’ આ ઘટનાને લઇને સુરેન્દ્રનગરના  હિમાંશુ દોશી પણ રાજકોટની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. ત્યારે હવે આ મામલો વધુ ઉગ્ર બને એવું દેખાય રહ્યું છે.