(એ.આર.એલ),મુંબઈ,તા.૧
પુણેના બહુચર્ચિત પોર્શ અકસ્માત કેસમાં સગીર આરોપીની એક ભૂલના કારણે આખો પરિવાર જેલના સળિયા પાછળ ધકેલાયો છે. આ કેસમાં સગીર આરોપીના પિતા અને દાદા બાદ હવે તેની માતા શિવાની અગ્રવાલની પણ પોલીસે ધરપકડ કરી છે. તપાસ કરતાં બહાર આવ્યું કે, સસૂન હોસ્પટલમાં આલ્કોહોલની તપાસ માટે સગીરના બ્લડ સેમ્પલને મહિલાના લોહીથી બદલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તે બ્લડ સેમ્પલ તેની માતાએ આપ્યા હતા. પોલીસના આ ખુલાસા બાદ શિવાની ફરાર હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સગીર આરોપી દારૂના નશામાં ધૂત થઈને પોર્શ કાર બેફામ રીતે હંકારી રહ્યો હતો. ત્યારબાદ એકાએક તેણે એક બાઈકને ટક્કર મારી, જેમાં એક યુવક-યુવતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બંનેની ઓળખ મધ્યપ્રદેશના અશ્વની કોષ્ટા અને અનીશ અવધિયા તરીકે થઈ હતી. બંનેની ઉંમર ૨૪ વર્ષની આસપાસ હતી. આ મામલે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો.
૧૯મેના રોજ પોર્શ એક્સડન્ટ મામલામાં સગીર આરોપીને પોલીસે દબોચી લીધો હતો. અધિકારીએ જણાવ્યું કે, સસૂન જનરલ હોસ્પટલમાં અધિકારીઓએ ૧૯મેના રોજ સગીર છોકરાના બ્લડ સેમ્પલ કચરામાં ફેંકી દીધા હતા. તે દિવસે ત્યાં તેની માતા હાજર હતી અને અન્ય બે લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, હવે શિવાની બ્લડ સેમ્પલ લઈને આ અંગે વધુ તપાસ હાથ ધરાશે.
પોલીસે અત્યાર સુધી આ કેસમાં લગભગ ૧૦ લોકોની ધરપકડ કરી છે. જ્યારે સસૂન જનરલ હોસ્પટલના ડીનને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રજા પર મોકલી દેવામાં આવ્યા છે. એટલું, બે પોલીસ અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જા કે, લોહીના નમૂનાની અદલાબદલી બાદ સગીરની માતા શિવાની પોલીસના સંકજામાં છે.