પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાના નેતૃત્વ હેઠળ સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ મહોત્સવનો ઉદ્‌ઘાટન સમારંભ તા. ૧૪-૧૨-૨૦૨૫ ના રોજ યોજાશે, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. ખેલ મહોત્સવ તા. ૧૪-૧૨-૨૦૨૫ થી ૨૫-૧૨-૨૦૨૫ દરમિયાન યોજાશે, જેમાં જુદી જુદી ૮ પ્રાદેશિક કક્ષાની લોકપ્રિય રમત સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. સ્પર્ધાઓ પ્રથમ ૧૪ થી ૧૬ ડિસેમ્બર દરમિયાન તાલુકા કક્ષાએ અને ૧૮ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન વિધાનસભા કક્ષાએ યોજાશે. વિજેતા ખેલાડીઓ અને ટીમો ૨૦ થી ૨૫ ડિસેમ્બર દરમિયાન યોજાનાર સાંસદ ફિનાલેમાં ભાગ લેશે. આ મહોત્સવમાં ત્રણ વયજૂથ (૮ થી ૧૭, ૧૭ થી ૪૦, અને ૪૦ થી ૧૦૦ વર્ષ) ના ખેલાડીઓ ભાગ લેશે. અત્યાર સુધીમાં ૩૫,૦૦૦થી વધુ ખેલાડીઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે. જે ખેલાડીઓ ઓનલાઈન નોંધણી કરાવી શક્યા નથી તેઓ પણ સ્પર્ધા સ્થળે નોંધણી કરાવી ભાગ લઈ શકશે. આ મહોત્સવ યુવા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડશે.