પોરબંદરનાં કુતિયાણાનાં કાકી અને પૂર્વ સ્ન્છ ભુરા મુંજા જાડેજાની પત્ની હિરલબાની હાર્બર મરીન પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારે હિરલબા જાડેજા સામે વધુ એક કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. હિરલબા જાડેજા સામે સાયબર ક્રાઈમની ફરિયાદમાં છેતરપિંડી માટે ૧૦ ખાતામાં એક જ સરનામું અને એક જ બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૪માંથી ૧૦ ખાતામાં હિરલબા જાડેજાનાં ખાતા અને સરનામા મેચ થતાં સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો છે.
વિગતો મુજબ, દેશભરમાં અલગ અલગ જગ્યાએ ભોગ બનનારાઓએ પણ ફરિયાદ નોંધાવી છે. ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુમાં ૭ જુદી જુદી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધવામાં આવી છે. માહિતી અનુસાર હિતેશ ઓડેદરા, મોહન વાજા, પાર્થ સોંગેલા, અજય ચૌહાણ, રાજુ મેર સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હિરલબા વિરૂદ્ધ અગાઉ પણ ખંડણી અને અપહરણના આરોપોને લઈ કેસ નોંધાયા છે.
અગાઉ પોરબંદર મૂળના અને ઈઝરાયેલ ખાતે રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ ભુરા મુંજા જાડેજાની પત્ની વિરૂદ્ધ મોટું લેણું હોઈ ઉઘરાણી માટે પતિ અને પુત્ર પાસે ઉઘરાણી કરાતી હોવાના વીડિયોમાં આક્ષેપો કર્યા હતા. મહિલાનાં પતિ અને પુત્રને હિરલબાએ તેના માણસો દ્વારા ઉઠાવી બંગલે ગોંધી રાખ્યા હોવાની પોલીસમાં હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા સહિત ચારથી પાંચ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.
લીલુ ઓડેદરા નામની મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા સહિત ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ રાત્રિનાં સમયે ચાર થી પાંચ આરોપીઓએ ઘરમાં ઘૂસી પિતા-પુત્રનું અપહરણ કરી દીકરીએ લીધેલા ૭૦ લાખ રૂપિયા કઢાવવા હિરલબા જાડેજાના બંગલે લઈ જઈ હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરાએ ફરિયાદીની દીકરી સાથે જમાઈની વીડિયો કોલમાં વાત કરાવી રૂપિયા કઢાવવા દબાણ કર્યુ હતું.
તેમજ પિતા-પુત્રને જમીન, પ્લોટ, દાગીના વગેરે આપી દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હિતેશ ઓડેદરાએ બળજબરી કરી હતી. ઉપરાંત, જુદા જુદા ૧૧ કોરા ચેકમાં સહી કરાવી વિજય ઓડેદરાએ ફરિયાદીની દીકરીની નિશાની માટે રાખવામાં આવેલો દોઢ તોલાનો સોનાનો બેરખો, ચેઈન સહિત દાગીના લઈ ફરાર થયા હતા. ફરિયાદીના જમાઈને ૧૭ દિવસ સુધી દીકરીનાં દીકરા રણજીતને ૧૨ દિવસ સુધી બળજબરીથી ૭૦ લાખ રૂપિયા કઢાવી હિરલબા જાડેજાના બંગલે ગોંધી રાખવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.