પોરબંદરમાં કુતિયાણા નગરપાલિકા ૩૦ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આખરે ૩૦ વર્ષે જનતા પરિવર્તન લાવી. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં ભાજપને હાર મળી છે. કાંધલ જાડેજાની પેનલનો વિજય થયો છે.
કુતિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા સામે ઊભા રહ્યાં હતા, જ્યારે છેલ્લા ૩૦ વર્ષથી નગરપાલિકાના પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદરા અને તેમના પુત્ર ભાજપ તરફથી ઊભા હતા.
કુતિયાણા નગરપાલિકાની ૨૪ સીટમાંથી સમાજવાદી પાર્ટીને ૧૪ સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે. જ્યારે ભાજપને ૧૦ સીટ મળતા ઢેલી બહેનને મોટો ફટકો પડ્યો છે. અહીં સમાજવાદી પાર્ટીનું કોઈ નામોનિશાન નથી અને કાંધલ જાડેજા પોતે જ એક પાર્ટી છે. તેમના નામનું જ અહીં આગવું મહત્વ રહ્યું છે. એનસીપી, અપક્ષ, સપા એમ વિવિધ પક્ષમાંથી ધારાસભ્ય બનેલાં કાંધલ જોકે રાજ્યસભાની ચૂંટણીમાં નિયમિત રીતે ભાજપની તરફે મતદાન કરતાં રહે છે અને આડકતરી રીતે ભાજપના જ ધારાસભ્ય હોય એમ વર્તે છે.
કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. કુતિયાણામાં જીત બાદ સમાજવાદી પાર્ટીએ જીતની ભવ્ય ઉજવણી કરી. કુતિયાણામાં ભવ્ય જીત બાદ સમાજવાદી પાર્ટીએ વિજય સરઘસ કાઢ્યું હતું. આ વિજય સરઘસમાં ધારાસભ્ય કાંધલ જાડેજા તથા કાના જાડેજા પણ જાડાયા હતા. પોરબંદર જિલ્લાની બંને નગરપાલિકામા આ વખતે ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર હતી. સમાજવાદી પાર્ટીમાથી આ વખતે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા પણ ચૂંટણી લડી રહ્યાં હતા.