ગોપાલ ઈટાલિયાની જીતના એક મહિના બાદ ભાજપના નિષ્ક્રીય રહેલા જવાહર ચાવડામાં અચાનક જામ આવ્યું છે. તેઓએ જુનાગઢમાં ફરી સભાઓ ભરવાનું શરૂ કરી દીધું છે. થોડા દિવસો પહેલા તેમણે ભાજપ નેતા અને પુર્વ મંત્રી જવાહર ચાવડાએ ફરીથી રોજગારનો મુ્દ્દો ઉપાડ્યો હતો. ત્યારે હવે તેમણે આમ આદમી પાર્ટીના નેતાની જાહેર સભામાં હાજરી આપી હતી. ત્યારે તેમના આમ આદમી પાર્ટીમાં જવાની ચર્ચાઓ ફરી વહેતી થઈ છે.
જુનાગઢ જિલ્લામાં રાજકારણમાં નવાજુની થવાનાં એનધાણ છે. આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની સભામાં ભાજપના નેતા જવાહર ચાવડા હાજર રહ્યા હતા. આપની સભામાં ભાજપના નેતાની હાજરીથી અનેક વાતો વહેતી થઈ છે. અમરાપુર બેઠકનાં આકાળા અને વિરડી ગામે આપની સભામાં જવાહર ચાવડા હાજર રહ્યા હતા. હાલ જવાહર ચાવડાના ફોટાઓ આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે બેઠક થયાનાં વાયરલ થયા છે.
જવાહર ચાવડા અચાનક પિક્ચરમાં આવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાગરમ ચર્ચા જામી છે. કેટલાક કહી રહ્યાં છે કે, અચાનક સક્રિય થવાથી જુનાગઢમાં નક્કી જ કંઈક નવાજૂની થઈ શકે છે. જવાહર ચાવડાને અચાનક પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનું સૂઝ્યું છે. તેથી લોકો તેમને પૂછી રહ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જશે કે કેમ.
ગોપાલ ઈટાલિયાની જીત બાદ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા અચાનક સજીવન થયા છે. ત્યારે હવે આ નેતાએ પોતાના જ પક્ષ સામે મોરચો માંડ્યો હોય તેવું લાગે છે. આ સાથે જ જવાહર ચાવડા કંઈક નવાજૂની કરે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે.
જીત ગોપાલ ઇટાલીયાની થઇ અને જયકાર જવાહર ચાવડાનો થયો. વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો વિજય થયો હતો, તેના બાદથી સોશિયલ મીડિયા પર એક જ વીડિયો ફરતો થયો હતો. જેમાં ગોપાલ ઇટાલીયા સાથે તેમના સમર્થકો પુર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાના જય જય કારના નારા લગાવ્યા હતા.
ભાજપમાં જોડાયા પછી ન તો ટિકિટ મળી કે ન તો સંગઠનમાં કોઈ મોટો હોદ્દો મળ્યો. એ પછી જવાહર ચાવડાનો હરિરસ પણ ખાટો થઈ રહ્યો હોય એમ જણાય છે. તેમણે અગાઉ કિરીટ પટેલના ભ્રષ્ટાચાર સામે પત્રિકાયુદ્ધ છેડી દીધું હતું જેને ભાજપ હાઈકમાન્ડે નજરઅંદાજ કર્યું. આથી જ વિસાવદરના ચૂંટણીપ્રચારમાં ગોપાલ ઈટાલિયાને જીતાડવા માટે નહિ પરંતુ કિરીટ પટેલ હારે એ માટે ચાવડાના સમર્થકો, ટેકેદારોને રસ હોય એ સમજી શકાય છે. એટલે જ વિજય સરઘસમાં ગોપાલ ઈટાલિયાએ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા પોકારીને એક કાંકરે બે પક્ષી માર્યા. હારેલા કિરીટ પટેલને વધુ એક ફટકો માર્યો અને સમાંતરે જવાહર ચાવડાને પણ કશું કહ્યા વગર આમઆદમી પાર્ટીમાં જોડાવાની કંકોત્રી પાઠવી દીધી. હવે જવાહરભાઈ પર સૌની નજર છે.









































