ભલે શરદ ઋતુ શરૂ થઈ ગઈ હોય, વરસાદની રિમઝિમ ક્યાંક હજુય ચાલુ છે અને હજુ એક સપ્તાહ આકાશમાં વાદળોની ઘટાઓ રહેવાની છે. આમજન માટે આ સુખનો અનુભવ છે પરંતુ કૃષિજીવનની વાત અલગ છે. તોય આ ચોમાસાએ લોકજીવનમાં અનેક નવા રંગ પૂર્યા છે. આપડે ત્યાં લોકજીવનમાં અનેક પ્રકારના લોકો જોવા મળે છે. એમાં એક છે હરિભગત. મંદિરે જતા હોય અને તિલક કરવાથી હરિભક્ત નથી થવાતું. એ સારું તો છે પણ ભક્તના પદ સુધી પહોંચવા માટે અધૂરું તપ છે. ખરા હરિભગત એ છે જેને કોઈની પાસેથી કંઈ લઈ લેવું નથી. આપણા વિચારો પરથી નક્કી ન થાય કે આપડે કેવા છીએ પરંતુ આપડું વર્તન અને વ્યવહારમાં જોઈને કોઈ પણ કહી શકે કે આપડે કેટલામાં છીએ. દુનિયા તમને એક નજરમાં માપી લે છે. તમે ઇચ્છો કે ન ઈચ્છો તો પણ હવે જમાનો જ એવો છે કે સહુ જેવા છે તેવા દેખાય છે. પ્રજા બહુ વાચાળ થઈ ગઈ છે. પહેલા તો વાર પ્રસંગે પણ કોઈ બહુ બોલતું નહિ. હવે તો રસ્તામાંય લોકો લાંબી વાત કરવા ઊભા રહી જાય છે હાથમાં શાકની થેલી ઠઠી રહી જાય છે. અને એય ને વાતોના તડાકા ચાલે છે. આવા લોકોની જિંદગીમાં આયોજન શબ્દને પ્રવેશ જ નથી હોતો. કારણ કે તેમની ઘડિયાળમાં કાંટા જ હોતા નથી અને એ જ કારણે એમણે આખી જિંદગી કંટક પાથર્યા રસ્તા સાથે પનારો પાડવાનો આવે છે. એવા લોકો સુખને શોધતા ભટકતા હોય છે. એટલે તેઓ જેમ ભૂખ્યા પશુઓ લીલો રંગ જુએ ત્યાં અટકી જાય એમ સુખની છલના જુએ કે શાંતિનો પડછાયો જુએ તો થંભી જાય છે અને એમનું મન ત્યાં રમવા લાગે છે. એમાં એમનો વાંક નથી.કારણ કે સુખ માટેની એમની તરસ વરસોથી હોવાને કારણે આગ જેવી બની ગઈ હોય છે. છાંટો બે છાંટા વરસાદ પડે તો એ રોકાઈ જાય છે. પણ સુખની તરસ એમ છીપે નહિ. કારણ કે સુખ કદાચ સગવડમાંથી મળે પરંતુ આનંદ તો ભીતરથી જ મળે. એ સુખ કે જે આનંદમાં રૂપાંતરિત થઈને અંતઃકરણ સુધી પહોંચતું નથી એ બહુ તકલાદી હોય છે. આપણે સહુ અનેક તકલાદી સુખોથી ઘેરાઈ ગયેલા છીએ. પણ એવા સુખને હાથ અડાડવા જેવો નથી. જેમ જુગારનો રૂપિયો ઘરમાં આવે તો વધારાના ઘરના રૂપિયાને પણ તાણીને લઈ જાય છે એમ તકલાદી સુખ આપણા અસલી ચપટીક સુખ જે હોય એનેય દૂર દૂર ફંગોળી દે છે.સવાલ એ છે કે સુખ આપણે કોને કહીએ છીએ. બીજા કોઈનુંય સુખ ઓછું કર્યા વિનાનું સુખ જ ટકાઉ અને આનંદકારી હોય છે. અરે કેટલાક લોકોનો તો સ્વભાવ જ બીજાઓને સુખી કરવાનો હોય છે. તેમના પોતાના અગ્રતાક્રમ જ કોઈ નથી હોતા. તમે રાજી રહો એવી જિંદગી જ એ લોકો પસંદ કરે છે. એટલે કે સુખી થવા માટેનું એ લોકોનું સૂત્ર એક જ છે કે બીજાઓને સુખી કરો. આપણે ત્યાં જલસાખોર કોમ્યુનિટી પણ છે. તેઓ કોઈ એક જ્ઞાતિ કે જાતિના નથી. તેમનું કામ જ જલસા કરવાનું છે. તેમને ભવિષ્ય સાથે કોઈ નિસ્બત નથી. આજકાલ લોકો મોબાઈલ ફોનમાં મનોરંજન માણવામાં કલાકો પસાર કરે છે. મનોરંજન તો દૂધમાં એલચીનું પ્રમાણ હોય એટલું જ હોવું જોઈએ. પરંતુ પરિસ્થિતિ જુદી છે અને વધુમાં વધુ લોકો જલસાખોરીમાં તણાઈ જતાં જોવા મળે છે.સુખને થોડો સંબંધ જરૂરિયાત સાથે છે. જેમની જરૂરિયાતો સાવ ઓછી છે એ લોકો સૌથી વધુ સુખી છે. પરંતુ બધા માટે તો એ શક્ય નથી. એમ તો સહુને લાગે કે આપડી જરૂરિયાત ઓછી જ છે. પણ જરાક ઊંડે નજર કરીએ તો આપડા પોતાના જ અનેક અપલખ્ખણ નજરે ચડે. નજરે ચડે તો સારું છે પણ જો પોતાના અવગુણ દેખાય જ નહિ તો સમજવું કે જિંદગી અભિમાનના પહાડ તળે દબાઈ ગઈ છે. વિવેકી મનુષ્ય અને અભિમાનના સુખ વચ્ચે પણ ભેદ હોય છે. અભિમાની લોકોને ભ્રમમાં રહેવું ગમે છે કારણ કે અભિમાન જ સૌથી મોટો ભ્રમ હોય છે. સરદાર કે ગાંધીજીને જુઓ તો ખ્યાલ આવે કે દેશના કરોડો લોકોના સુખને જ એમણે પોતાનું સુખ માન્યું. કોઈ એ વાત જાણતું જ નથી કે તેમના આનંદનો વિષય શું હતો?તેઓ ક્યારે અને કઈ રીતે મઝા લેતા હતા? કારણ કે તેમને પોતાને મઝા જેવું કંઈ હતું જ નહિ. તેમની મઝા એટલે ભારતના કરોડો લોકોના દુઃખ દૂર કરી આપવા એ જ મઝા. આટલી ઊંચાઈએ તો સહુ ન જી શકે. પરંતુ પત્નીને ઘરકામમાં મદદ કરવી, વડીલ પાસે બેસી એમને સાંભળવા કે વયોવૃદ્ધ માતાને ભાગવત્ વાંચી સંભળાવવું એટલું થાય તોય બહુ છે. આપડા દેશમાં લાખો લોકો ગૃહસ્થો એવા છે કે જેમણે જિંદગીમાં એક વખત પણ શાક સુધાર્યું નથી. કે કપડાં સૂકવ્યા નથી. એ બધા કામો ગૃહિણીના એકલીના જ છે એમ માનવાની તેઓ ભૂલ કરે છે. તમે જ્યાં હો ત્યાં આજુબાજુમાં જો અજવાળું ન કરી શકો તો તમારી આખી જિંદગીમાં ઉજાસ હોવાની શક્યતા ઘટી જાય છે.એવું તો આ જગતમાં કોણ હોય કે જે હોટેલમાં જમવા જાય અને ખબર પડે કે વેઈટર ઓછા છે ને ગ્રાહકો વધારે છે એટલે મેનેજર મુંઝાયેલો છે તો લાવ હું પીરસવા લાગુ. પોતે જમવાનું ટેબલ છોડી રસોડામાં જઈ કામે લાગે. આવો આપડને તો વિચાર પણ ન આવે અને કદાચ આવે તો બૂમાબૂમ કરી મેનેજરને ખખડાવવાનો જ વિચાર આવે. એક મહાન સુખી મનુષ્ય અને સામાન્ય મનુષ્ય વચ્ચેનો આ જ તો તફાવત હોય છે. બીજાની તકલીફનો વિચાર કરવો અને પોતાના માન કે માભાને ભૂલીને એની મદદમાં લાગી જનારા લોકો જ આ સંસારના સૌથી સુખી લોકો છે. કારણ કે એમનો આ સ્વભાવ જ એમને જિંદગીમાં અપાર સુખ આપે છે. જે માણસ હોટેલમાં આવું શુભ વર્તન કરી શકે એ પોતાની નજીકના તમામ લોકો સાથે તો કેટલી સારી રીતે રહેતો હશે એની માત્ર કલ્પના જ કરવાની રહે છે. કેટલાક લોકોને આખી જિંદગીમાં એ જ ખબર પડતી નથી કે એના વારંવારના દુઃખનું કારણ શું છે ? ઘણી વાર તો સ્વભાવ જ આપણા સુખ અને દુઃખનું કારણ હોય છે. બહાર ક્યાંય ઠેબા ખાવાની જરૂર જ નથી હોતી. પોતાના સ્વભાવને સહેજ બદલાવો તો આખી બાજી બદલી જતી હોય છે. પણ સ્વભાવ બદલાવવામાં વિવેકની બહુ જ જરૂર પડે છે અને વિવેક તો ક્યાંય વેચાતો મળતો નથી. વળી કોઈએ કોઈને કહેવાતું પણ નથી કે સ્વભાવ બદલાવો. કહો તો તમને સાંભળવા મળશે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. પણ જાય ત્યારની વાત ત્યારે. અત્યારે એ પ્રાણ અને એ પ્રકૃતિ સાથે કામ પાડનારાઓએ કેટલું સહન કરવું ? સહુને છાંયો આપવો અને આપડા તરફથી કદી કોઈને તડકો ન લાગે એનું ધ્યાન રાખવું એમાં જગતના બધા ધર્મોનો સારાંશ આવી જાય છે.