ધી પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઈટ ઓથોરિટીએ  ખેડૂતો અને બીજ નિગમોના હિતમાં ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. તેણે ભારતમાં બટાકાની વિવિધતા એફએલ-૨૦૨૭ પર પેપ્સિકોને આપવામાં આવેલ પીવીપી (પ્લાન્ટ વેરાયટી પ્રોટેક્શન) પ્રમાણપત્ર રદ કરવા માટેની અરજી સ્વીકારી. ઓથોરિટીનું કહેવું છે કે પેપ્સીકોને જે આધારે આ પ્રમાણપત્ર મળ્યું તે ખોટી માહિતીના આધારે હતું. એટલે કે જેને આ પ્રમાણપત્ર મળ્યું છે તે તેના માટે પાત્ર નથી. ઓથોરિટી દ્વારા પિટિશન સ્વીકારવાનો અર્થ એ છે કે ઓથોરિટી આ બટાકાની વિવિધતા માટે ફેબ્રુઆરી ૨૦૧૬માં પેપ્સિકોને આપવામાં આવેલા વેરાયટી ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્‌સને પાછી ખેંચી લેશે. ઓથોરિટીએ સ્વીકાર્યું કે પેપ્સિકો દ્વારા ખેડૂતોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજ ઉગાડવું ખેડૂતોના અધિકારમાં હતું.૨૦૧૬ માં, પેપ્સિકોએ એફએલ-૨૦૨૭ રજીસ્ટર કર્યું, જે પેકેજ્ડ ચિપ્સમાં વપરાતી બટાકાની વિવિધતા છે. જે અંતર્ગત આ બિયારણના ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્‌સ કંપની પાસે આવ્યા હતા. ૨૦૧૮ માં, કંપનીએ બટાટાના બીજની આ વિવિધતા ઉગાડવા બદલ ગુજરાતના ૫ ખેડૂતો પર કેસ કર્યો હતો. ત્યારબાદ ૨૦૧૯માં ફરી ૪ ખેડૂતો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંપનીએ આ તમામ પાસેથી ૧.૫-૧.૫ કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું. આ મામલો મીડિયામાં આવ્યા બાદ બીજ અધિકાર મંચના કેતન શાહે આ મામલે હસ્તક્ષેપ શરૂ કર્યો હતો. એલાયન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રીકલ્ચરની કવિતા કુરુગંતીએ પેપ્સિકો સામે પ્લાન્ટ વેરાયટી અને ખેડૂતોના અધિકારના સંરક્ષણમાં અરજી દાખલ કરી. તે સમયે પેપ્સિકોએ પીછેહઠ કરી હતી, પરંતુ તે ખેડૂતોને આ વિવિધતા ઉગાડવા દેવા તૈયાર ન હતી. ૩૦ મહિનાની સુનાવણી બાદ શુક્રવારે આ મામલે નિર્ણય ખેડૂતોના પક્ષમાં આવ્યો. પેપ્સકોનું સર્ટિફિકેટ રદ કરવા પાછળનું કારણ એ હતું કે બટાકાની જાત પર કંપનીને આપવામાં આવેલ આઈપીઆર નિયત જાગવાઈઓ મુજબ નથી. છોડની જાતોના રક્ષણ અને ખેડૂતોના અધિકારોના મામલે પણ આ અધિકાર જનહિતમાં ન હતો. આ અરજી જૂન ૨૦૧૯માં દાખલ કરવામાં આવી હતી. કંપની પાસે આ અધિકાર જાન્યુઆરી ૨૦૨૨ સુધી હતો અને તે તેને ૩૧ જાન્યુઆરી, ૨૦૩૧ સુધી રિન્યૂ કરાવી શકતી હતી. હવે તે રદ કરવામાં આવ્યું છે.