ગુજરાત સરકાર અને ભરતી બોર્ડની ઢીલી નીતિના કારણે ચાલતા પેપર લીક કૌભાંડો ડામવા બાબતે આમ આદમી પાર્ટી-અમરેલી દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે, ગત તા.૧૨ના રોજ લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ
અગાઉની પરીક્ષાની માફક પેપર લીક થયું છે. પેપર લીક થવાની આ પરંપરાથી ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય થઇ રહ્યો છે અને હજારો રૂપિયા ક્લાસીસમાં ખર્ચીને અને પોતાનો અમૂલ્ય સમય બગાડી ઉજ્વળ ભવિષ્ય માટે મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓ પરીક્ષા વખતે એક જબરો માનસિક આઘાત અનુભવે છે. ત્યારે પેપર લીકના દોષિતો સામે કડક કાર્યવાહી કરી આ કૌભાંડ સાથે સંકળાયેલા દરેક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા ભવિષ્યમાં યોજાનારી તમામ પરીક્ષાની ગોપનીયતા જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી.