રાજયમાં બિનસચિવાલયની હેડક્લાર્કની ભરતીની પરીક્ષાના પેપરલીક મામલે ભાજપના વિરોધમાં આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલડી ડો. રાજીવ ગાંધી ભવનથી કલેક્ટર કચેરી સુધીની બાઇક રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પાલડી રાજીવ ગાંધી ભવનથી રેલી કાઢવા જઈ રહેલા કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર એનએસયુઆઇના નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસની રેલી નીકળે તે પહેલાં જ ચારે તરફથી પોલીસે રાજીવ ગાંધી ભવનને ઘેરી લીધું હતું. તમામ રસ્તાઓ પર પોલીસની ગાડીઓ મૂકી દેવામાં આવી છે. જેથી બહારથી કોઈપણ અંદર અને અંદરથી કોઈ બહાર જઈ શકે નહિ.કોંગ્રેસ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લિંક કૌભાંડ મામલે વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપીને છ મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ફૂટતા રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા છે. રાજ્યના યુવાનોના સરકારી નોકરીઓ મેળવવાના સપનાઓ રોળાયા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડીને શિક્ષિત યુવાનોને રોજગારીના સપનાઓ દેખાડવામાં આવે છે પરંતુ હકીકતે તેનો અમલ કરવામાં આવતો નથી. ભરતી કેલેન્ડર માત્રને માત્ર ચોપડા પર જ રહી જાય છે.