છેલ્લા ઘણા સમયથી દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવો રૂ. ૧૦૦ને પાર હતા ત્યારે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય કરતા કેન્દ્રના આ નિર્ણયને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઇ પાનસુરીયાએ આવકારી આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજારમાં ફાટી નીકળેલ મોંઘવારીના કારણે ભારતના નાગરિકો આ મોંઘવારીમાં ન પીડાય તેવા હેતુથી પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા પેટ્રોલ-ડિઝલ પર લાગેલી એક્સાઇઝ ડ્યુટી ઘટાડી પેટ્રોલમાં રૂ. ૯.પ૦ અને ડિઝલમાં રૂ. ૭નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ ઘરેલુ ગેસના ભાવમાં રૂ. ર૦૦નો ઘટાડો કરવામાં આવ્યો છે. સુરેશ પાનસુરીયાએ વધુમાં જણાવ્યું કે, અત્યારે કોઇપણ ચૂંટણીનો સમય નથી, પરંતુ જનમાનસને આ મોંઘવારીમાંથી બહાર કાઢવાનું કામ માત્ર નરેન્દ્ર મોદીના નેતૃત્વની ભાજપ સરકાર જ કરી શકે. કોંગ્રેસ સરકારે તો માત્ર ચૂંટણી સમયે દેડકાની જેમ બહાર આવે છે અને લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે.