કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર ૮ રૂપિયા અને ડીઝલ પર ૬ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ પેટ્રોલ ૯.૫ રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું થશે જ્યારે ડીઝલની કિંમતમાં ૭ રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થશે. આ ઉપરાંત સરકારે સિમેન્ટ, સ્ટીલ અને લોખંડ પર પણ મહત્વનો નિર્ણય લીધો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકાર લોખંડ, સ્ટીલ અને તેના કાચા માલ પરની કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરશે.
“અમે કાચા માલસામાન અને વચેટિયાઓની કિંમતો ઘટાડવા માટે લોખંડ અને સ્ટીલની કસ્ટમ ડ્યુટી ઘટાડી રહ્યા છીએ. કેટલાક સ્ટીલના કાચા માલ પરની આયાત ડ્યુટી ઘટાડવામાં આવશે. ચોક્કસ સ્ટીલ ઉત્પાદનો પર નિકાસ ડ્યુટી વસૂલવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે સરકારે પ્લાસ્ટિક ઉત્પાદનો માટે કાચા માલ અને મધ્યસ્થીઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય કે આ મામલામાં ભારતની આયાત નિર્ભરતા વધારે છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર, સિમેન્ટની કિંમત ઘટાડવા માટે વધુ સારી લોજિસ્ટીક્સનો આશરો લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સિમેન્ટની ઉપલબ્ધતા સુધારવા માટે ધોરણો લાગુ કરવામાં આવી રહ્યા છે. તેનાથી ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.