સરકારે પેટ્રોલમાં ભેળવવામાં આવતા ઇથેનોલના ભાવમાં લિટર દીઠ ૧.૪૭ રૂપિયાનો વધારો કર્યો છે. ઇથેનોલનો આ વધારેલા ભાવ ડિસેમ્બરથી શરૂ થતાં માર્કેટિંગ વર્ષ ૨૦૨૧-૨૨થી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં પેટ્રોલમાં ૮ ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે જે વધારીને ૨૦૨૫ સુધીમાં ૨૦ ટકા કરવાનો લક્ષ્યાંક છે. આગામી વર્ષે આ પ્રમાણ વધારીને ૧૦ ટકા કરવામાં આવશે.
પેટ્રોલમાં જેમ ઇથેનોલનું પ્રમાણ વધશે તેમ ભારતની ઓઇલ આયાતનું બિલ ઘટશે. આ ઉપરાંત આનાથી શેરડીના ખેડૂતો અને ખાંડની મિલોને પણ ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા ધરાવતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અંગેની વિગતો આપતા માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ડિસેમ્બર, ૨૦૨૧થી શેરડીના રસમાંથી બનાવવામાં આવતા ઇથેનોલનો ભાવ લિટર દીઠ ૬૨.૬૫ રૂપિયાથી વધારીને ૬૩.૪૫ રૂપિયા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) સુગર મિલો પાસેથી ઇથેનોલ ખરીદે છે.