આગામી સમયમાં યોજાનાર ગુજરાતની ૨૪-કડી વિધાનસભા (અ.જા.) અને ૮૭– વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે ૦૫ મે, ૨૦૨૫ નાં રોજ બંને વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે, જેમાં કડી વિધાનસભા મતવિસ્તારમાં ૧૫૨ પુરુષ અને ૨૨૪ મહિલા મતદારોનાં વધારા સાથે કુલ ૩૭૬ મતદારોનો વધારો થયો છે. વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ૨૪ પુરુષ અને ૧૬૦ મહિલા તથા ૦૧ ત્રીજી જાતિનાં મતદારનાં વધારા સાથે કુલ ૧૮૫ મતદારોનો વધારો થયો છે. બંને મતવિસ્તારના મળી કુલ ૫૬૧ મતદારોનો વધારો નોંધાયો છે.
ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી મહેસાણા જિલ્લાની ૨૪-કડી (અ.જા.) વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે ૧,૪૯,૭૧૯ પુરુષ, ૧,૪૦,૦૨૩ મહિલા અને ત્રીજી જાતિના ૪ મળી કુલ ૨,૮૯,૭૪૬ મતદારો નોંધાયા છે. જ્યારે, જુનાગઢ જિલ્લાની ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે ૧,૩૫,૫૯૭ પુરુષ, ૧,૨૫,૪૫૧ મહિલા અને ત્રીજી જાતિનાં ૪ મળી કુલ ૨,૬૧,૦૫૨ મતદારો નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૦૧ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ૦૮ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદી મુજબ કડી વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨,૮૯,૩૭૦ જ્યારે વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨,૬૦,૮૬૭ મતદારો નોંધાયા હતા.
મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુકલાએ જણાવ્યું હતું કે, ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશમાં મતદાર નોંધણી અધિકારી દ્વારા કરવામાં આવેલા નિર્ણય સામે કોઈ મતદારને વાંધો હોય તો મતદાર નોંધણી અધિકારીના નિર્ણય વિરૂદ્ધ નિયમ-૨૭ મુજબ સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીને અપીલ કરી શકાશે.