એક સમયે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવાતો પૃથ્વી શો આજે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરની બેટિંગનું મિશ્રણ કહેવાતા પૃથ્વી શો વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટીમ ઈન્ડિયામાં પસંદગી ન થતા ખુબ નિરાશ છે. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પહેલા શોએ પોતાના દિલની વાત કહી છે.
પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પૃથ્વી શો જ્યારે વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ પર કોઈ સિરીઝ માટે પસંદ ન થયો તો તેણે દુલીપ ટ્રોફી રમવાનો નિર્ણય કર્યો. હવે તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમશે. આ પહેલા પૃથ્વી શોએ ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝને ઈન્ટરવ્યૂ આપ્યું છે.
ટીમ ઈન્ડિયામાંથી બહાર થવા પર પૃથ્વી શોએ કહ્યુ- જ્યારે મને ટીમથી બહાર કરવામાં આવ્યો તો તેનું કારણ જણાવવામાં આવ્યું નહીં. કોઈ કહી રહ્યું હતું કે ફિટનેસ તેનું કારણ હોઈ શકે છે, પરંતુ હું નેશનલ ક્રિકેટ એકેડમી ગયો અને ત્યાં તમામ ટેસ્ટ પાસ કરી. પછી મેં ઘરેલૂ ક્રિકેટ અને આઈપીએલમાં રન બનાવ્યા તો મને ફરી ટી૨૦ ટીમમાં જગ્યા મળી હતી. પરંતુ હવે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પસંદગી ન થઈ, જેનાથી હું ખુબ નિરાશ છું.
પૃથ્વી શોએ વાતચીતમાં આગળ કહ્યું- હું એકલો રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. મારા કોઈ મિત્ર નથી. લોકો મારા વિશે ઘણી વાતો કરે છે, પરંતુ જે મને જાણે છે તેને ખબર છે હું કેવો છું. આ પેઢી સાથે આવું થઈ રહ્યું છે. તમે તમારા વિચાર શેર ન કરી શકો. જ્યારે તમે કંઈ કહેશો તો બીજા દિવસે સોશિયલ મીડિયા પર આવી જશે. મારા ખુબ ઓછા મિત્ર છે.
તેણે આગળ કહ્યું- જો હું બહાર જઈશ તો લોકોને તકલીફ થશે. તેઓ સોશિયલ મીડિયા પર કંઈક મૂકશે, તેથી મને આ દિવસોમાં મને બહાર નિકળવાનું પસંદ નથી. હું જ્યાં જાઉં છું ત્યાં મુશ્કેલીઓ ઊભી થાય છે. મેં બહાર જવાનું સાવ બંધ કરી દીધું છે. આ દિવસોમાં, હું લંચ અને ડિનર માટે પણ એકલો બહાર જઉં છું. હવે મને એકલા રહેવું ગમે છે. શા ઇંગ્લેન્ડમાં બાકીની કાઉન્ટી ક્રિકેટ સિઝન માટે નોર્થમ્પટનશાયર માટે રમવા માટે તૈયાર છે અને ઓગસ્ટમાં શરૂ થતા રોયલ લંડન વન-ડે કપનો પણ ભાગ બનશે. ૨૩ વર્ષના પૃથ્વી શોએ ભારત માટે અત્યાર સુધી પાંચ ટેસ્ટ, ૬ વનડે અને એક ટી૨૦ આંતરરાષ્ટ્રીયય મેચ રમી છે. ટેસ્ટમાં શોના નામે ૩૩૯ રન, વનડેમાં ૧૮૯ રન અને ટી૨૦ મેચમાં ઝીરો રન છે. પોતાની પ્રથમ ટી૨૦ આંતરરાષ્ટ્રીયયમાં શો શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો.