ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત રી ઇન્વેસ્ટ ૨૦૨૪” સમિટનો સમાપન સમારોહ આજે ઉપરાષ્ટ્રીપતિ શ્રી જગદીપ ધનખડની અધ્યક્ષતામાં યોજાયો હતો. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી શ્રી પ્રલ્હાદ જાશી ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાષ્ટ્રીપતિ જગદીપ ધનખડે રી ઇન્વેસ્ટ-૨૦૨૪ના સમાપન સમારોહમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના મહત્વ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ અને
ગ્લોબલ વો‹મગના આ સમયગાળામાં પુનઃપ્રાપ્ય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પરંતુ આજના સમયની જરૂરિયાત છે. કારણ કે, તેની સાથે સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ સંકળાયેલું છે. પર્યાવરણનું જતન કરીને સમગ્ર વિશ્વને બચાવવા માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતે વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન કર્યું છે, જેમાં પુનઃપ્રાપ્ય ઊર્જાને અપનાવીને દરેક નાગરિક આહુતિ આપે, તેવો તેમણે અનુરોધ કર્યો હતો.
ગુજરાતના ગૌરવશાળી ઈતિહાસને સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી ગણાવતા ઉપરાષ્ટ્રીપતિ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે, આઝાદી મેળવવાના મોટા પડકાર સામે ગુજરાતની ભૂમિના પનોતા પુત્રો મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશનું નેતૃત્વ કર્યું હતું. આજે સમગ્ર વિશ્વને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી એકતાના પ્રતિક સમાન ભેટ આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને સમગ્ર વિશ્વએ આવકાર્યું છે અને તેમન સૂચનોને સ્વીકાર્યા છે. ગુજરાતની ભૂમિ પર આ ત્રણ દિવસ દરમિયાન વિશ્વભરના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા વિચાર-મંથન કરવામાં આવ્યું છે.
આ સીમાચિહ્ન રૂપ આયોજનમાં લગભગ ૨૫૦થી વધુ વિષય નિષ્ણાત વક્તાઓ અને એટલી જ સંખ્યામાં ડેલીગેટ્સ પણ સહભાગી થયા છે. ગુજરાતમાં આયોજિત આ કાર્યક્રમમાં ત્રણ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં નાગરિકોએ સહભાગિતા નોંધાવી છે, છે ખરેખર સરાહનીય બાબત છે. આવા વૈશ્વિક આયોજન માટે ઉપરાષ્ટ્રીપતિશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.સમિટ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના વિકાસ માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ બનશે, તેવો ઉપરાષ્ટ્રીપતિશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પૃથ્વી પરના પ્રાકૃતિક સંસાધનો બધા માટે છે, પણ તેનો ઉપયોગ કરવામાં અતિલોભ કરીશું, તો વિનાશ નોતરીશું, તેમ જણાવતા ઉપરાષ્ટિપતિશ્રીએ ઉમેર્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જ અત્યારે જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે સૌથી મોટો પડકાર છે. પૃથ્વી સિવાય જીવસૃષ્ટિ માટે અન્ય કોઈ ગ્રહ ન હોવાથી, આ સમસ્યાઓને પહોંચી વળવા ઉપરાંત આપણી પાસે કોઈ વિકલ્પ નથી. જેમાં ભારતની ભૂમિકા અત્યંત મહત્વની છે અને જળવાયું પરિવર્તનની સમસ્યાના નિવારણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું દિશાદર્શન કરી રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારતના પ્રાચીન વેદ અને ઉપનિષદોમાં પણ પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગ અંગે દર્શાવેલા ઉપાયોને આજે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યા છે. આ જ ઉદ્દેશ્ય સાથે “વસુધૈવ કુટુમ્બકમ”ના મંત્ર સાથે ભારતે ગત વર્ષે ય્-૨૦ની સફળ યજમાની કરી હતી, જેમાં યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન સહિત ૧૦૦ થી વધુ દેશોએ ભારતના સૂચનોને સ્વીકારીને, અપનાવ્યા છે.
ભાવી પેઢીને સુંદર વિશ્વ આપવું એ આપણી સૌની જવાબદારી છે. આજદિન સુધી માનવજાતે વૈશ્વિક સંપદાને જે નુકશાન પહોંચાડ્યું છે, તેના પ્રત્યે હવે નાગરિકોમાં જાગૃતિ કેળવાઈ છે. પરિણામે ધરતીને બચાવવાના આ મહાયજ્ઞમાં દરેક નાગરિકે આહુતિ આપવાની છે અને આ માટે સૌએ એક સૈનિકની જેમ કામ કરવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.