કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર વ્યવસ્થાપન અને નદી સફાઈ અંગે ભેદભાવના આરોપોને ફગાવી દીધા. સરકારે જણાવ્યું હતું કે ભારત પહેલાથી જ ભૂટાન સાથે સરહદ પારના નદીઓના મુદ્દાઓ પર નજીકથી કામ કરી રહ્યું છે અને પૂર વ્યવસ્થાપન યોજનાઓ હેઠળ રાજ્યને ૧,૨૯૦ કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે.
ઉત્તર બંગાળમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વિનાશ સર્જાયો હતો, જેમાં ૩૦ લોકો માર્યા ગયા હતા અને ઘણા ગુમ થયા હતા. આ ઘટના બાદ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર તેમની માંગણી મુજબ ભારત-ભૂતાન નદી આયોગની રચના કરી રહી નથી, અને જા આવું નહીં થાય, તો ઉત્તર બંગાળ પૂરની દુર્ઘટનાનો ભોગ બનતું રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પૂર વ્યવસ્થાપન માટે કોઈ ભંડોળ પૂરું પાડતી નથી અને ગંગા સફાઈ પ્રોજેક્ટ પણ અટકી ગયો છે.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે એકસ પરની એક પોસ્ટમાં સ્પષ્ટતા કરી હતી કે ભારત અને ભૂટાન પાસે પહેલાથી જ જાઈન્ટ એક્સપર્ટ ગ્રુપ, જાઈન્ટ ટેકનિકલ ટીમ અને જાઈન્ટ એક્સપર્ટ ટીમ જેવી સંસ્થાકીય વ્યવસ્થાઓ છે. આ ટીમો ઉત્તર બંગાળમાં નદી ધોવાણ, કાંપ સંચય અને અચાનક પૂર જેવા મુદ્દાઓ પર કામ કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સંયુક્ત ટીમોમાં પશ્ચિમ બંગાળ સરકારના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
ભૂતાનના પારોમાં તાજેતરમાં યોજાયેલી ૧૧મી
જેજીઇ બેઠકમાં, રાજ્યમાં વહેતી આઠ વધારાની નદીઓ, જેમ કે હાશીમારા ઝોરા, જાગીખોલા, રોકિયા, ધવલા ઝોરા, ગાબુર બસરા, ગાબુર જ્યોતિ, પાના અને રાયદક (પ્રથમ અને દ્વિતીય) પર નદી ધોવાણ અને કાંપ સંચય પર સંયુક્ત અભ્યાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ સરકારે હવે આ નદીઓ પર વિગતવાર અભ્યાસ કરવો પડશે અને તેને વર્ષના અંતમાં જેટીટી બેઠકમાં રજૂ કરવો પડશે. કેન્દ્રએ એમ પણ જણાવ્યું હતું કે ભારતમાં વહેતી નદીઓમાં સમયસર પૂરની આગાહીઓ શક્્ય બનાવવા માટે ભૂટાનના હાઇડ્રોલોજિકલ અવલોકન નેટવર્કને મજબૂત બનાવવા માટે કામ ચાલી રહ્યું છે.
કેન્દ્રએ સ્પષ્ટ કર્યું કે પૂર વ્યવસ્થાપન પ્રોજેક્ટ્સ સંબંધિત કોઈ ભંડોળ દરખાસ્ત બાકી નથી. પૂર વ્યવસ્થાપન અને સરહદી વિસ્તાર કાર્યક્રમ હેઠળ પશ્ચિમ બંગાળને ૧,૨૯૦ કરોડ જારી કરવામાં આવ્યા છે. ગંગા સફાઈ પ્રોજેક્ટ અંગે મમતા બેનર્જીના આરોપોનો જવાબ આપતા, મંત્રાલયે જણાવ્યું હતું કે ગંગા અને નમામી ગંગે કાર્યક્રમો હેઠળ પશ્ચિમ બંગાળમાં ૬૨ પ્રોજેક્ટ્સ (કુલ ખર્ચ ૫,૬૪૮.૫૨ કરોડ) લાગુ કરવામાં આવી રહ્યા છે. આમાંથી ૩૧ પ્રોજેક્ટ્સ ગટર વ્યવસ્થાના માળખા સાથે સંબંધિત છે અને ૩૦ પ્રોજેક્ટ્સ ઘાટ અને સ્મશાન સાથે સંબંધિત છે.
કોલકાતામાં ટોલી નાલા પ્રોજેક્ટ જેવી મુખ્ય નદી પુનર્જીવન પહેલોને પણ રાષ્ટ્રિય સ્વચ્છ ગંગા મિશન હેઠળ મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો કે કેન્દ્ર સરકાર ભૂટાન અને પશ્ચિમ બંગાળની સરકારો સાથે નદી વ્યવસ્થાપન અને પૂર નિયંત્રણ મુદ્દાઓ પર સક્રિયપણે કામ કરી રહી છે.








































