કોંગ્રેસે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજય સિંહના ભાઈ અને ભૂતપૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સિંહને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટી દ્વારા મીડિયાને આપવામાં આવેલી માહિતી અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સિંહને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે તાત્કાલિક અસરથી છ વર્ષ માટે ભારતીય રાષ્ટ્રીયય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢ્યા છે.
તમને જણાવી દઈએ કે ગયા મહિને લક્ષ્મણ સિંહને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. તેમણે અહેવાલ મુજબ કહ્યું હતું કે પાર્ટીને રોબર્ટ વાડ્રા અને રાહુલ ગાંધી બંનેની અપરિપક્વતાનો સામનો કરવો પડશે. પહેલગામ આતંકવાદી હુમલાને પગલે, લક્ષ્મણ સિંહે તેમની પાર્ટીમાં મોટો વિવાદ ઉભો કર્યો હતો, તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા અપરિપક્વ છે. તેમણે દાવો કર્યો હતો કે દેશ તેમની (રાહુલની) અપરિપક્વતાનું પરિણામ ભોગવી રહ્યો છે.
લક્ષ્મણ સિંહ મધ્યપ્રદેશથી પાંચ વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ પહેલી વાર ૧૯૯૦માં રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા હતા. ૧૯૯૪માં તેઓ પહેલી વાર રાજગઢથી સાંસદ બન્યા હતા. લક્ષ્મણ સિંહ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વીજય સિંહના ભાઈ પણ છે. લક્ષ્મણ સિંહ ૧૯૯૦-૧૯૯૨, ૧૯૯૩-૧૯૯૪ અને ૨૦૧૮માં ત્રણ વાર મધ્યપ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧૯૯૪માં તેઓ પેટાચૂંટણીમાં ૧૦મી લોકસભામાં ચૂંટાયા હતા. ૧૯૯૬ની સંસદીય ચૂંટણીમાં તેમણે ૧૧મી લોકસભામાં બીજી મુદત જીતી હતી અને ૧૯૯૮ની સામાન્ય ચૂંટણી અને ૧૯૯૯ની પેટાચૂંટણીમાં તેઓ ૧૨મી લોકસભામાં ચૂંટાયા હતા. તેઓ હંમેશા કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજગઢ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી જીતતા હતા.
જોકે, લક્ષ્મણ સિંહ પક્ષ બદલીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા અને ફરીથી રાજગઢ બેઠક પરથી ૧૪મી લોકસભા (૨૦૦૪-૨૦૦૯)માં ચૂંટાયા. પરંતુ ૧૫મી લોકસભાની ચૂંટણીમાં તેઓ હારી ગયા, જ્યારે કોંગ્રેસે રાજગઢ મતવિસ્તારમાં ભાજપને હરાવ્યું. લક્ષ્મણ જાન્યુઆરી ૨૦૧૩માં કોંગ્રેસમાં પાછા ફર્યા.