રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભૂતપૂર્વ ઓલિમ્પિક જિમનાસ્ટ અલીના કાબાએવા સાથે અફેર છે. તેમના સંબંધોથી તેમને બે પુત્રો પણ છે, જે હાઈસિક્યોરિટી પેલેસમાં લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યાં છે. આ દાવો રશિયન વેબસાઈટે કર્યો છે. ભૂતપૂર્વ ઓલિમ્પિક રિધમિક જિમનાસ્ટ અને પુતિન સાથેના સંબંધો વિશે રશિયામાં લગભગ એક દાયકાથી ચર્ચા થઈ રહી હતી. પરંતુ, વેબસાઈટે તેમના બાળકો વિશે વિસ્તૃત અહેવાલ આપ્યો છે.
રિપોર્ટ મુજબ, નવ વર્ષનો ઈવાન અને પાંચ વર્ષનો વ્લાદિમીર પુતિન જુનિયર મોટાભાગનો સમય તેમના મોસ્કોના ઉત્તર-પશ્ચિમમાં લેક વાલ્ડાઈ નજીક આવેલા પેલેસમાં વિતાવે છે. આ બંને છોકરાઓની સંભાળ ક્રેમલિન ફેડરલ ગાર્ડના ઓફિસર, તેમની આયાઓ, ટીચર્સ અને અધિકારીઓ રાખે છે. જાયન્ટ લેગો સેટ અને આઈપેડ તેમને ખૂબ પસંદ છે અને તેઓ ફક્ત મોડી રાત્રે જ તેમના માતા-પિતાને મળે છે. ચોંકાવનારી વાત એ છે કે, સરકારના કોઈપણ ડેટાબેઝમાં તેમના વિશે માહિતી નથી. તેઓ કોઈ એરલાઈન્સના પ્લેનમાં મુસાફરી કરતા નથી. તેમના માટે સ્પેશિયલ પ્રાઈવેટ પ્લેન હોવાનું વેબસાઈટના અહેવાલમાં સામે આવ્યું છે.
મોટા દીકરા ઈવાનનો જન્મ ૨૦૧૫માં સ્વિસ સિટી લુગાનોના સેન્ટ-એના મેટરનિટી ક્લિનિકમાં થયો હતો.જ્યારે, વ્લાદિમીર જુનિયરનો જન્મ ૨૦૧૯માં મોસ્કો સિટીમાં થયો હતો. પુતિને જાહેરમાં તેના બાળકો વિશે કોઈ સીધો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ, ગત અઠવાડિયે સાઈબિરીયામાં સ્કૂલના બાળકોને કહ્યું હતું કે, ‘મારા પરિવારના સભ્યો, નાના બાળકો ચાઈનીઝ બોલે છે.’એવું માનવામાં આવે છે કે, તેમને ઈંગ્લિશની સાથે જર્મન ભાષા શિખવાડવા માટે ટીચર્સ રાખવામાં આવ્યા છે. તેઓ કોઈ સ્કૂલમાં જતાં નથી. તેમનું હોમ સ્કૂલિંગ કરવામાં આવી રહ્યું છે.
ઈવાન અને વ્લાદિમીર જુનિયર મ્યુઝિક પણ શીખી રહ્યાં છે. મોટો દીકરો ઈવાન જિમ્નાસ્ટિક્સની સાથે પિતા પુતિન સાથે હોકી મેચ રમવાનું પસંદ કરે છે. ૭૧ વર્ષીય પુતિનને પહેલા લગ્નથી બે દીકરીઓ ૩૯ વર્ષીય મારીયા અને ૩૮ વર્ષીય કેટરીના છે. રશિયન રાષ્ટ્રપતિ અને અલીનાના સંબંધોની શરૃઆત પુતિનના પહેલી પત્ની લ્યુડમિલા સાથેના છૂટાછેડાના ૬ વર્ષ પહેલા ૨૦૦૮માં થઈ હતી. પુતિનની ગર્લફ્રેન્ડ અલીનાએ વર્ષ ૨૦૦૦માં સિડનીમાં યોજાયેલા ઓલિમ્પિકમાં રિધમિક જિમનાસ્ટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એથેન્સ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ તે રિટાયર્ડ થઈ હતી. ત્યારબાદ, તેણે રશિયન પાર્લિમેન્ટના નીચલા ગૃહમાં બે વર્ષ સેવા આપી હતી.