અમદાવાદમાં શનિવારે ઉઘાડ નિકળ્યો હતો. બે દિવસ બાદ આકાશમાંથી વાદળા દુર થતા અને સૂર્યપ્રકાશ જમીન પર પડતા ઠંડીમાં ભારે રાહત શહેરીજનોને મળી હતી. શહેરનું તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું આમ એક જ દિવસમાં પાંચ ડિગ્રી તાપમાન વધતા શીતલહેરની સ્થિતિ હળવી બની હતી. પૂર્વ અમદાવાદમાં જનજીવન રાબેતા મુજબ ધમધમતું જોવા મળ્યું હતું. રોડ, બજોરોમાં ભીડ જોવા મળી હતી. બે દિવસ ઘરમાં પુરાઇ રહેલા શહેરીજનો આજે બહાર નીકળ્યા હતા.
પૂર્વ અમદાવાદમાં સતત બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ, વરસાદી છાંટા અને ઠંડા ફૂંકાતા પવનના કારણે જે શીતલહેરનું વાતાવરણ સર્જાયું હતું. તેમાં આજે શુક્રવારે ઘટાડો જોવા મળ્યો હતો. બુધવાર અને ગુરૂવારના દિવસ-રાત શહેરીજનોએ ઠંઠુવાઇને કાઢ્યા હતા. કામ સિવાય ઘરની બહાર ન નીકળવું, સ્કૂલ-કોલેજ, ઓફિસ કે વેપાર-ધંધે જવાનું પણ મોટાભાગના લોકોએ આ બે દિવસ દરમિયાન ટાળ્યું હતું.
શિયાળાની આ સિઝનમાં અચાનક જ ત્રાટકેલી આ પ્રથમ શિતલહેરે લોકોને પરેશાન કરી મુક્યા હતા. ખાસ કરીને વૃદ્ધો, અશક્તો, બીમાર અને વિકલાંગ તેમજ બાળકોને આ ઠંડીની ભારે અસર જોવા મળી હતી. રોજનું કમાઇને રોજ ખાતા અને ઝૂંપડાઓમાં, કાચા મકાનોમાં રહેતા હજોરો પરિવારોએ બે દિવસ ભારે યાતનામાં કાઢ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તો દિવસે પણ સન્નાટો જોવા મળ્યો હતો.
સ્વેટર, સાલ, ચાદર, રઝાઇ, ગોદળા ઘરમાંથી કાઢી કાઢીને લોકોએ તેમાં લપાઇને ઠંડીથી બચવાના પ્રયાસો કર્યા હતા તે પણ અધુરા હોય તેમ દિવસે પણ તાપણા કરીને લોકોએ ઠંડીમાં રક્ષણ મેળવવાનો ભરચક પ્રયાસ કર્યો હતો.બે દિવસ ઠંડા પવન ફૂંકાયો હતો. જેના કારણે તાપમાન નીચે આવતા ઠંડીની ઘાતકતા વધી ગઇ હતી.
જોકે આજ સવારથી જ વાતાવરણ પૂર્વવત જોવા મળ્યું હતું. આકાશ સ્વચ્છ દેખાયું હતું. વરસાદ પડયો નહતો.સૂર્યપ્રકાશ જોવા મળ્યો હતો. પવન ફૂંકાવાનો પણ બંધ થયો હતો જેના કારણે પાંચ ડિગ્રી તાપમાન વધી જતા એટલેકે ૨૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે આજે લોકોને ઠંડીમાં મોટી રાહત મળી હતી.