પૂર્વી યુક્રેનના લુહાન્સ્ક ક્ષેત્રમાં એક ગામની શાળા પર રશિયન હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૬૦ લોકો માર્યા ગયાની આશંકા છે. લુહાન્સ્ક પ્રદેશના ગવર્નર સર્ગેઈ ગદાઈએ જણાવ્યું હતું કે બિલોહોરિવકા ગામમાં આવેલી શાળા શનિવારે બપોરે રશિયન બોમ્બ વિસ્ફોટથી ત્રાટકી હતી. ગવર્નરના જણાવ્યા અનુસાર, જ્યારે રશિયન સૈનિકોએ બિલ્ડીંગ પર બોમ્બ ફેંક્યા ત્યારે લગભગ ૯૦ લોકો સ્કૂલના ભોંયરામાં હાજર હતા.
તેમણે કહ્યું કે બોમ્બ સ્કૂલ પર પડ્યા અને કમનસીબે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો. કુલ ૯૦ લોકો હતા. કાટમાળમાંથી ત્રીસ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી સાત ઘાયલ થયા હતા. ઈમારતોના કાટમાળ નીચે ૬૦ લોકોના મોત થવાની આશંકા છે. લગભગ ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, ત્યારબાદ કાટમાળ હટાવવામાં આવ્યો હતો અને કમનસીબે બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
રશિયન સૈન્યએ શનિવારે દક્ષિણ યુક્રેનિયન શહેર ઓડેસા પર ક્રુઝ મિસાઇલો ચલાવી હતી અને મર્યુપોલમાં ઘેરાયેલા સ્ટીલ પ્લાન્ટ પર બોમ્બમારો કર્યો હતો, જ્યાં યુક્રેનિયન લડવૈયાઓ ફસાયેલા છે. તે જ સમયે, યુક્રેનની સેનાએ કાળા સમુદ્રના ટાપુ પરના રશિયન ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે, જે રશિયાએ યુદ્ધના શરૂઆતના દિવસોમાં લઈ લીધા હતા.