બાળ ગંગાધર તિલકના શબ્દોમાં કહીએ તો “મને નરકમાં પુસ્તક મળે તો હું ત્યાં રહેવા પણ તૈયાર છું અને સ્વર્ગમાં પુસ્તક ના મળે તો હું ત્યાં રહેવા તૈયાર નથી”. આ વાત ઉપરથી નવી યુવા પેઢીએ પુસ્તકોનું મૂલ્ય સમજીને વાંચન તરફ દૃષ્ટિકોણ કેળવવો પડશે. પુસ્તકો અંધકારમય જીવનને પ્રકાશમય બનાવી શકે છે. અનેક આપત્તિઓ વચ્ચે નવો માર્ગ કંડારવાની કેળવણી પુસ્તકોમાંથી પ્રાપ્ત થઈ શકે તેમ છે. વાંચન કરનાર વ્યક્તિ સદાય માટે સુખી હોય છે. કારણ કે વાંચન કરવાથી વૈચારિક શૈલી, ભાષાનું પ્રભુત્વ અને રજૂઆત કરવાની કલા ઉત્તમ રીતે ખીલી ઉઠે છે. ટેકનોલોજીના યુગમાં લાઇબ્રેરીઓ સ્મશાન બની રહી છે ત્યારે પ્રબુદ્ધજીવી લોકોએ વાંચન તરફ યુવાનોને વાળવાની જરૂર છે. વાંચનથી આંતરિક શક્તિઓ કેળવાય છે. વાંચન કરવાથી મનન શક્તિ અને આત્માની શક્તિ તૃપ્ત બને છે. પરાજિત પટેલના એક પુસ્તકમાં એક ભાઈ સંસારથી એટલો બધો કંટાળી ગયેલો કે સુસાઇડ કરી નાખું એવો વિચાર કરવા લાગ્યો. તેવા સમયે પોતાની વ્યથા મિત્રને કહી, મિત્ર પણ બુદ્ધિશાળી હતો તેને કહ્યું કે લે સુસાઇડ કરતા પહેલા આ પુસ્તક વાંચી લે પછી તું સુસાઇડ કરી લેજે. જે માણસ જિંદગીથી કંટાળી ગયેલો તે માણસે પુસ્તક વાંચ્યા પછી સુસાઇડ કરવાનું મૂકી દીધું અને ‘આ જીવન ભગવાને આપેલી દેન છે’ સમજી જીવન જીવવાની કલા તે શીખી ગયો અને હવે હું બિનજરૂરી વિચારો કર્યા વગર સારા પુસ્તકો વાંચતો રહીશ અને સારું જીવન જીવતો રહીશ તેવો સંકલ્પ કર્યો. પુસ્તકમાં આટલી અજોડ તાકાત છે. માત્ર પુસ્તક દિવસે જ પુસ્તકો વાંચવાથી જ્ઞાન, સમજ, કૌશલ્ય કેળવાશે નહીં. સતત તેના સંપર્કમાં રહેવું પડશે. પુસ્તકો વૈચારિક વૃંદાવન છે. પુસ્તકો વાંચવાથી એકાગ્રતા સિદ્ધ થશે. આ દુનિયામાં આજની સૌથી ટોપ સમસ્યા હોય તો સ્ટ્રેસ છે. તનાવને ઓછો કરવો હોય તો પુસ્તકપ્રેમી બનવાની તાતી જરૂરિયાત છે. આજે વૈશ્વિકીકરણના યુગમાં આજે જે શોધાય છે તે કાલે જૂનું થઈ જાય છે તેવા સમયે નવું નવું જ્ઞાન પુસ્તક દ્વારા મળી શકે છે. પુસ્તક વાંચવાથી માનવીની કલ્પના કરવાની શક્તિ ખીલી શકે છે. યાદશક્તિમાં જબરજસ્ત વધારો થાય છે. માનવી જ્યારે એકલો હોય ત્યારે એકલતા ઉધઈની જેમ કોરી ખાય તેવા સમયે પુસ્તક સંજીવનીનું કામ કરે છે. સ્વામી વિવેકાનંદ એકાગ્ર ચિત્તે વાંચતા હતા તેના કારણે તેમની યાદશક્તિ તીવ્ર રહી. મનને સદાય માટે પ્રફુલ્લીત રાખવા પુસ્તકો સધિયારો બને છે. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય લેખક ડો. ગુણવંત શાહ ખુબ સુંદર લખે છે” જે વાંચે છે તે વિચારે છે, જે વિચારે છે તે જીવે છે, બાકીના જીવતા નથી, જીવી ખાય છે”.
આજના મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં ઓનલાઇન પુસ્તકો મુકેલા હોય છે. તેવા સમયે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. ‘નવરો બેઠો નખ્ખોદ વાળે’ આ યુક્તિ દરેક માણસે સમજવાની જરૂર છે. બિનજરૂરી સમય બગાડતા કરોડો યુવાનો છે. દરરોજ બે કલાક વાંચે તો તેમની સર્જનાત્મક કલા અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે સારી એવી તૈયારી થઈ શકે એમ છે.
વાંચનની સાથે લેખન શૈલી પણ કેળવવાની જરૂર છે. આજે મામાને પત્ર લખવા આપીએ તો શું લખે ? વાંચન હોય તો લખી શકે ને ? આ બધી બાબતો શાળા કક્ષાએ શિક્ષક મિત્રોએ કેળવવાની જરૂર છે. શિક્ષકો વાંચતા નથી. કોલેજના પ્રોફેસરો અને શિક્ષકોએ વધુ વાંચી સંદર્ભગ્રંથોનો સહારો લઈ શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરવા માટે વાંચન અને લેખન શૈલીથી અધ્યયન કાર્ય કરવું જોઈએ તો જ વિદ્યાર્થીઓને નવું આપી શકાય. બસ પગારની તારીખમાં જ રસ છે. ભાષા શિક્ષકોની સાથે સાથે તમામ વિષયના શિક્ષકોને પોતાના વિષયમાં ઊંડું જ્ઞાન હોવું અનિવાર્ય છે. આજે ગૂગલ બાબા બધું આપી દે પરંતુ સાચું તો પુસ્તકો જ આપી શકે એટલે પુસ્તકનો સત્સંગ કરવો સ્વર્ગ જેવી અનુભૂતિ થશે. આજે કોપી પેસ્ટ બહુ થાય છે. મૌલિક લખાણનો દુષ્કાળ પડયો છે. મોટાભાગની શાળામાં નિબંધ વિષય શિક્ષકો નિબંધમાળામાંથી લખાવે છે. આમને કઈ ડિગ્રી આપવી જોઈએ ? અમારી સંસ્થાના ચંદુભાઈ સાહેબ (નેનપુર) દરરોજ ૧૦ થી ૧૨ કલાક વાંચતા અને ડાયરી લખતા. ૫૦૦૦ પુસ્તકની લાઇબ્રેરી છે. બધા પુસ્તકો તેમણે વાંચેલા છે. હું જે સંસ્થામાં નોકરી કરું છું તે સંસ્થા થકી જ મારો સર્વાંગી વિકાસ થયો છે. મને લખવાની અને વાંચવાની કેળવણી આપનાર મારા ગુરુ ચંદુભાઈ પટેલ સાહેબ હતા. આવા કેળવણી મંડળના પ્રમુખ હોય તેની શાળાઓ કેવી હોય ? શિક્ષક મિત્રો મોટાભાગનો સમય ગપ્પા મારવામાં પસાર કરતા હોય છે. તેની જગ્યાએ ‘કુછ મિનિટ તો લાઇબ્રેરી મેં ગુજારીએ’ આ વાતને કેન્દ્રસ્થાને રાખી પુસ્તકોનું મહત્વ વિદ્યાર્થી સન્મુખ કેળવવું પડશે.
શાળામાં એક તાસ વાંચનનો હોવો જોઈએ. પુસ્તકના સત્સંગથી વાંચન અભિમુખ થશે. વાંચન કરવાની કલા કૌશલ્યતા કેળવાશે. શિક્ષક શાળામાં વાંચતો હશે તો તેની અસર શાળાના ભાવાવરણ અને વાતાવરણમાં તો થશે જ પરંતુ બાળકોમાં સૌથી વધારે થશે. કારણ કે બાળક તમને જોઈ શકે છે કે સાહેબ વાંચે છે. શેર માર્કેટનો ઇન્ડેક્સ કેટલો ઊંચો છે તે વાંચવા અને વિચારવા કરતા કયું પુસ્તક વાંચવું જે જીવન બદલી શકશે તે જરૂરી છે. અબ્દુલ કલામનું ‘ધ વિંગ ઓફ ફાયર’, વિશ્વાસ પાટીલનું ‘મહાનાયક સુભાષચંદ્ર બોઝ’,
ક્રાંતિકારીઓ, વ્યક્તિવિશેષ, કેળવણીકારો, વૈજ્ઞાનિકો, વાર્તાકારોની નવલકથાઓ વાંચવાથી આંતરિક શક્તિઓ ખીલી ઉઠશે. સર્વ શિક્ષા અભિયાનના સચિવ મહેશભાઈ મહેતા હંમેશા શિક્ષકોને નિયમિત પાંચ પુસ્તકો વાંચવાની તેમના લેક્ચરમાં સલાહ આપે છે. તેઓ પણ વાચક છે. ‘અંગદનો પગ’ હરેશ ધોળકિયાનું પુસ્તક દરેક શિક્ષક મિત્રોએ વાંચવું જોઈએ, તો તો ચાન સુરેશ સોનીનું અચૂક વાંચવું. જે વ્યક્તિ વાંચનની ખાણમાં પડ્યો તે હીરાની ખાણમાં પડયો સમજવું. પુસ્તકોનું વાંચન નિયમિત થવું જોઈએ. જીવનના અમુક સિદ્ધાંતો હોવા જોઈએ. મારે નિયમિત વાંચવું જોઈએ. ગાંધીજી અને સરદાર પટેલ નિયમિત વાંચતા હતા અને લખતા હતા. આ બધા મહાપુરુષો એટલે બન્યા કે તેમની પાસે ડિગ્રીઓ તો હતી જ પરંતુ પુસ્તકોનો સથવારો હતો.
સૌ વાચક મિત્રોને વાંચવા તરફ વળવાની અપેક્ષા સેવું છું. શિક્ષણ સમુદાયના મિત્રો ‘જીવો ત્યાં સુધી વાંચો’ એ જ પુસ્તકનો પ્રેમ… ગુણવંત શાહ કહે છે કે મરો ત્યાં સુધી જીવો.. આપણે જીવીએ ત્યાં સુધી વાંચીએ.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨