પુલિત્ઝર પુરસ્કારથી સમ્માનિત કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટ સના ઈર્શાદ મટ્ટુને દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ ફ્રાન્સ જતા અટકાવ્યા હતા. અહેવાલ પ્રમાણે અધિકારીઓએ તેના માટે જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા પત્રકારો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનો હવાલો આપ્યો હતો.
સના ઈર્શાદ મટ્ટુ એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સામેલ થવા અને ફોટોગ્રાફી પ્રદર્શનમાં ભાગ લેવા માટે પેરિસ જઈ રહી હતી. ત્યારે દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ તેને અટકાવી હતી.
મટ્ટુએ કહ્યું કે, ‘આજે જે કંઈ થયું તે સંપૂર્ણપણે અનપેક્ષિત હતું.’ તેણે ટ્‌વીટ કર્યું કે, ‘સેરેન્ડીપિટી આર્લ્સ ગ્રાન્ટ ૨૦૨૦ના ૧૦ પુરસ્કારોમાંના એક તરીકે હું પુસ્તક વિમોચન અને ફોટોગ્રાફી પ્રદર્શન માટે આજે દિલ્હીથી પેરિસ જવાની હતી. ફ્રેન્ચ વિઝા મળ્યા હોવા છતાં મને દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન ડેસ્ક પર રોકવામાં આવી હતી.
મટ્ટુએ પોતાના કેન્સલ બો‹ડગ પાસની તસવીરો પણ પોસ્ટ કરી અને લખ્યું કે, મને કોઈ કારણ ન જણાવ્યું માત્ર એટલું કહ્યું કે, તમે વિદેશ ન જઈ શકો. જો કે રાજ્ય અથવા કેન્દ્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું જમ્મુ અને કાશ્મીર પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મટ્ટુ ઘાટીના કેટલાક એવા પત્રકારોમાંની એક છે જેમને ‘નો-ફ્લાય લિસ્ટ’માં મૂકવામાં આવ્યા છે.
આ અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૯માં કાશ્મીરી પત્રકાર ગૌહર ગિલાનીને ઈમિગ્રેશન અધિકારીઓએ જર્મની જતી વખતે દિલ્હી એરપોર્ટ પર રોક્યા હતા. ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીર પ્રશાસને પત્રકારમાંથી શિક્ષણશાસ્ત્રી બનેલા ઝાહિદ રફીકને યુ.એસ.ની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યાં તેઓ યુનિવર્સિટીમાં લેક્ટર લેવા માટે જવાના હતા.
શ્રીનગરની રહેવાસી ૨૮ વર્ષની મટ્ટુ આતંરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે એક ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરે છે. ભારતમાં કોવિડના બીજી લહેરના કવરેજ માટે તેમને અન્ય ત્રણ રોઈટર્સ ફોટોગ્રાફરો સાથે ફિચર ફોટોગ્રાફીમાં ૨૦૨૨નું પુલિત્ઝર પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી હતી.