૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ કાશ્મીરની પુલવામા ઘાટીમાં દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહીદોની યાદમાં, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે ગરિમાપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “એક દિયા વીર શહીદો કે નામ“ શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. ડુંગર યુવક મંડળ અને ગ્રામજનોએ આ દિવસને શહીદોના સન્માનમાં સમર્પિત કર્યો હતો. આ પ્રસંગે દીપ પ્રગટાવી અને બે મિનિટનું મૌન પાળીને શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે, કન્યાશાળાની વિદ્યાર્થીની ઉર્વીબેન તથા ડુંગર યુવક મંડળ ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટરના ટ્રેનર નાગજીભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહેલી ટીમ દ્વારા ભારત દેશના નકશાની ભવ્ય રંગોલી તૈયાર કરવામાં આવી હતી.









































