વોટ્સએપનો આ જોક સાંભળ્યો છે? પત્ની: મારે હવે તમને ડિવોર્સ જ આપી દેવા છે. પતિ: શિયાળો પૂરો થવા દે, પછી ચાલી જજે. શિયાળા ઉપર આવી નોનસેન્સ જોક્સ બહુ ફરતી હોય છે. પતિ-પત્નીના ડિસન્ટ જોક્સ સામે આપણને વાંધો નથી (કારણ કે એમાં પત્નીને પતિ કરતા એક સ્થાન ઊંચું મળતું હોય છે) પણ આ જોક વાહિયાત છે, સ્ત્રીવિરોધી તો ખરો જ પણ સાથે અક્કલ વિનાનો પણ ખરો. શિયાળામાં જાણે સેક્સ સિવાય કોઈ પ્રવૃત્તિ જ ન હોય અને મૂરખ હસબન્ડને ઠંડી ઉડાડવા માટે સેક્સ સિવાય બીજો કશો રસ્તો જ ન સૂઝતો હોય. માણસને બધું યુઝફુલ જોઈએ છે, માણસ પણ યુઝેબલ હોવો જોઈએ. કેવી ક્રૂર વૃત્તિ એ પણ કુદરતી વૃત્તિ. પુરુષની પ્રકૃતિ બદલે?
શેક્સપિયર કાળનું ઈંગ્લીશ લાગે એવું એક ક્વોટ છે.  હેથ નો ફ્યુરી લાઈક આ વુમન સ્કોર્નડ. નરકમાં પણ એટલી ક્રૂરતા નથી જેટલી એક તિરસ્કૃત કે ઉપેક્ષિત સ્ત્રીમાં છે. સત્તરમી સદીના એક મહાન નાટયલેખક વિલિયમ કોંગ્રીવે આ લખ્યું હતું. બ્રિટનમાં એ વખતે રેસ્ટોરેશન પિરિયડ ચાલતો હતો. કળા-સંસ્કૃતિમાં રેસ્ટોરેશન પિરિયડ એટલે નાટકમાં લખાતા સ્ત્રીપાત્રો વાસ્તવમાં સ્ત્રીઓ હોય તે જ ભજવે. અચરજ ગણાતું અને લોકો તે અચરજ એવું વિચારીને જોવા જતા કે આ નાટકમાં જે સ્ત્રી છે એ એક્ચ્યુઅલ સ્ત્રી છે! આપણે ત્યાં તો રેસ્ટોરેશનનો પિરિયડ બહુ મોડેથી આવ્યો; જયશંકર સુંદરી પછી એ યુગ શરૂ થયો. આપણે છેલ્લા વીસ વર્ષમાં જબરદસ્ત પલટો આવ્યો અને અપર મિડલ ક્લાસથી ઊંચા સ્તરમાં ફેમિનિઝમનો ઝંઝાવાતી વાવંટોળ એવો આવ્યો કે પુરુષો ડરી ગયા. એક ઉદાહરણ- કેડબરી ડેરી મિલ્કની છએક મહિના પહેલા આવેલી ક્રિકેટની નવી જાહેરાત. ફિમેલ ક્રિકેટ ટીમમાં એક બેટ્સવુમન શોટ મારે છે અને સ્ટેડિયમમાંથી શીખ છોકરો નાચતો નાચતો ગ્રાઉન્ડ ઉપર આવી જાય છે. વીસ વર્ષ પહેલાં આવી જ જાહેરાતમાં એક છોકરી નાચતી નાચતી આવેલી. આજે રોલ રિવર્સ થઈ ગયા. (તો પણ જૂની જાહેરાતમાં મન મુકીને જે રીતે છોકરી નાચી છે એ અનન્ય છે. આજનો છોકરો નબળો પડે એની સામે.)
જાતિ શું છે? સ્ત્રી એ સ્ત્રી જ રહે અને પુરુષ એ પુરુષ જ. રોલ રિવર્સ થતા હશે, જેન્ડર વચ્ચેનો રેશિયો પણ ઘટતો હશે અને ખાઈ પણ ઓછી થઈ ગઈ હશે. તો પણ બંને જાતિની પોતપોતાની બ્યુટી છે. પાર્ટનરનું ઓવરસાઈઝડ શર્ટ (અને ફક્ત શર્ટ) પહેરીને સોફા ઉપર પગ લંબાવીને બેઠેલી એ અલ્લડ યુવતીની બ્યુટીનું બ્રહ્માંડમાં અલગ જ સ્થાન છે. અને તે જ યુવતી માટે કિચનમાં કઈંક બનાવી રહેલા થોડા મુંજાયેલા પણ પ્રેમાળ પુરુષના પુરુષત્વની બ્યુટી સંસારમાં અજોડ છે. બંને સૌંદર્યને મિક્સ નહીં કરી શકો. બંને સૌંદર્ય એકબીજાના પૂરક છે. એકબીજા વિના મરી જશે. જેન્ડર ઈકવાલીટી હક્ક, કાયદાકાનૂન, નિયમો, માન્યતાઓમાં હોય. એક્સપ્રેશન, સ્ટાઇલ, પ્રકૃતિ, વિજ્ઞાન, કનેક્શન તો અલગ જ રહેવાના. એમાં સ્ત્રીનું માન સમ્માન વિશેષ જાળવવું જ પડે. સ્ત્રીને બે-ચાર અંગઉપાંગો સ્ત્રી નથી બનાવતા. સ્ત્રીનો માંહ્યલો સોફ્ટવેર જ આખો અલગ છે. ઇનર બ્યુટી તો કહેવાની વાતો છે પણ તેનું આંતરિક વિશ્વ જ અલગ હોય છે. એ સમજી જાય તો બાહ્ય સુંદરતાની સરહદો પુરુષ આસાનીથી ઓળંગી શકે. પણ સ્યુડો-ફેમિનિઝમના ઓવરડોઝમાં સ્ત્રી-પુરુષ વચ્ચે રહેલો નાજુક ભેદ ભૂંસાઈ રહ્યો છે. જેન્ડર ફલ્યુઇડ સર્ચ કરો, ગૂગલમાં.
સ્ત્રીની લાક્ષણિકતા ખબર છે? શરીરથી ઘાયલ સ્ત્રી તો હોસ્પિટલમાં હોય પણ અંદરથી ઘવાયેલી બીજા દસને હોસ્પિટલ ભેગા કરી દે. ઉપર જેનો ઉલ્લેખ કર્યો એ વિલિયમ કોંગ્રીવના વિધાનનો આ જ અર્થ થાય. 1696નું નાટક- મોર્નિંગ બ્રાઇડ- વિલાપ કરતી નવોઢાનો સંવાદ છે: હેવન હેઝ નો રેજ, લાઈક લવ ટુ હેટ્રેડ ટર્ન્ડ; નોર હેલ  અ ફ્યુરી, લાઈક અ વુમન સ્કોર્ન્ડ. ઘવાયેલી ઔરત કરતા વધુ કાતિલ હથિયાર કયું? તેનો જોટો જગતમાં ન જડે ભેરુ. પણ આજના જમાનાનો પ્રોબ્લેમ જ એ છે કે અણીશુદ્ધ સ્ત્રીત્વ જ ખોવાઈ ગયું છે. કંગના બેન જેવા કર્કશા મહિલા મળે જેને સાંભળીને એમને સ્ત્રી માનવાનું મન ન થાય. બીજી તરફ ઘણી બધી સ્ત્રીઓ ઘવાઈને વિફરતા ભૂલી ગઈ છે. જખ્મો સાથે સમાધાન કરી લીધું છે. અન્યાય સાથે દોસ્તી કરી લીધી છે. આ બંને અંતિમો વચ્ચે રહેલું અણીશુદ્ધ સ્ત્રીત્વ ભાગ્યે જ ક્યાંક મળે. (નસીબદરને મળે!)
આયુષમાન ખુરાનાની એક સરસ ફિલ્મ આવી છે. ચંદીગઢ કરે આશીકી એક મીડિયોકર ફિલ્મ છે. પણ તેનો વિષય બોલ્ડ છે, તાજગીભર્યો છે અને અનુઆધુનિક છે. તેનો જે વિષય છે એવા કિસ્સાનું પ્રમાણ આપણી આજુબાજુ વધે તેવી સ્થિતિ આવતા  હજુ બીજા એકસો વર્ષ લાગશે. પણ સો વર્ષ પછી પણ તેને લઈને આપણે સહજ હશું કે કેમ તે એક સવાલ છે. પ્રોબ્લેમ આપણને નાનપણથી અપાયેલી સમજણની જડતામાં છે. ફ્લેકસીબીલીટીનો અભાવ માનવજાતને ખતમ કરી નાખશે. જે મોસ્ટ ફ્લેકસીબલ હશે એ ટકશે. પૃથ્વી ઉપર જ રહેવું છે એ આઠ અબજ માણસોની જીદ છે. એલન મસ્ક જેવો એક જ માણસ છે જે એવી જીદ લઈને નથી બેઠો, તો એનો વંશવેલો ટકશે. ચંદીગઢ કરે આશીકીનો વિષય આપણાં મનના સિંહાસનો ઉપર ગોઠવાઈ ગયેલા અને ચીપકી ગયેલા જુના વિચારોને હટાવીને નવા વિચારોને બેસાડવાનો ઉપક્રમ લઈને આવે છે. વિષયની ટ્રીટમેન્ટ ટિપિકલ અર્બન બૉલીવુડ સ્ટાઇલ છે. આના કરતાં વધુ સારી સ્ક્રીપ્ટ બની શકી હોત. પણ પ્રેમની આ લેવલ પર એક્ઝામ પણ લેવાઈ શકે- એના માટે આ ફિલ્મ તૈયાર કરે છે. બોલ્ડ વિષય ઉપર ફિલ્મ બની છે.
આ બધી વાત માંડવાનો અર્થ શું છે? આખિર કહેના કયા ચાહતે હો? ઉપરના પાંચેય ફકરા વચ્ચે કોઈ સંગતિ ન લાગતી હોય અને મુદ્દો છે શું એ વિચારતા હો તો ફરીથી, ધીમી સ્પીડે લેખ વાંચવો. વાતના મૂળમાં માણસ છે. મૂળ એ માણસ છે. પછી એ મૂળમાંથી વડલો થાય કે આંબલી એ સેકન્ડરી છે. ઘેઘુર વડલાની વડવાઈઓની અલગ મજા છે અને ખાટી  આંબલી અલગ જલસો આપે છે. સ્ત્રી-પુરુષ પોતાની રીતે અનન્ય સૌંદર્યાતીત અનુભવના વાહક છે. માણસ હોવાના મૂળ સાથે જોડાઈને પુરુષ કે સ્ત્રી તરીકે એક છલાંગ લગાવવાની થાય છે. એ પુરુષત્વ કે સ્ત્રીત્વની  છલાંગમાં મનુષ્યત્વ સાથેનો છેડો ફાટી જાય એ કેમ ચાલે? મનુષ્ય ફક્ત પ્રેમ કરવા અને પ્રેમ કરાવવાને સર્જાયેલો છે. સમજાય છે બધી વાત? સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદ વધશે કે ઘટશે?