વિજય રૂપાણીના પુત્ર પુજીતની યાદમાં બનાવેલ પુજીત રૂપાણી ટ્રસ્ટે અનેક બાળકોને ડોક્ટર, એન્જીનિયર અને સીએ બનાવ્યા છે. ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ વિજય રૂપાણી પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને પ્રગતિની તકો પૂરી પાડવામાં આવે છે.
ગતરોજ (૧૨ જૂન, ૨૦૨૫) અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ૨૪૨ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ૨૪૧નાં મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ મેસમાં ધડાકાભેર પડ્યું હતું, જેથી અનેક રેસિડેન્ટ ડોક્ટરોના પણ મોતની આશંકા છે. પણ આ તમામ વચ્ચે ભૂતપૂર્વ વિજય રૂપાણીએ પુત્ર પુજીતની યાદમાં બનાવેલ “પુજીત રૂપાણી ટ્રસ્ટ”ને કઈ રીતે ભૂલી શકાય કે જેણે અનેક બાળકોનું ભવિષ્ય બનાવીને ડોક્ટર, એન્જીનિયર તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવ્યા છે.
પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજકોટના પનોતા પુત્ર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારમાં તેમની પત્ની અંજલી રૂપાણી, પ્રથમ સંતાન તરીકે દીકરી રાધિકા, દ્વિતીય સંતાન તરીકે પુજીત તથા ત્રીજા સંતાન તરીકે પુત્ર ઋષભનો જન્મ થયો. પુત્ર પુજીત જ્યારે અઢીથી ત્રણ વર્ષનો હતો, ત્યારે બાલ્કનીમાંથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. તેની બાદ વિજય રૂપાણી અને તેમના પરિવારે પુજીતના મૃત્યુના આઘાતને સામાજિક સેવામાં રૂપાંતરિત કર્યો હતો.
વિજય રૂપાણીએ તેમના પુત્ર પુજીતની યાદમાં રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં ૧૯૯૪માં પુજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને જીવનમાં પ્રગતિની તકો પૂરી પાડવાનો છે. ટ્રસ્ટના મેનેજર ભાવેન ભટ્ટના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ધોરણ ૭ પાસ કરનારા વિદ્યાર્થીઓને દત્તક લઈને ધોરણ ૮થી ૧૨ સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત, ટ્રસ્ટ આરોગ્ય સેવાઓ અને મહિલા સશક્તિકરણને લગતી કામગીરી પણ કરે છે.
ટ્રસ્ટમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા અનેક વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, એન્જીનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે. ૧૫ દિવસ પહેલાં જ આઇઆઇટીમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓએ ટ્રસ્ટની ઓફિસની મુલાકાત લીધી હતી અને વિજય રૂપાણીના નિવાસસ્થાને તેમની સાથે અંતિમ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં રૂપાણીએ વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓ વિશે રસપૂર્વક ચર્ચા કરી હતી.
હાલ વિજય રૂપાણીના મૃત્યુના સમાચારે રાજકોટ અને ગુજરાતભરમાં શોકનું મોજું ફેલાવ્યું છે. ટ્રસ્ટના મેનેજર ભાવેન ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “વિજયભાઈની ખોટ કોઈ પૂરી નહીં કરી શકે. તેમનું જીવન સમાજસેવા અને લોકોના ઉત્થાન માટે સમર્પિત હતું.” રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં રહેતા લોકો માટે પુજીત રૂપાણી ટ્રસ્ટ આજે પણ આરોગ્ય અને શિક્ષણની સેવાઓ પૂરી પાડે છે, જે રૂપાણીના સામાજિક વારસાને જીવંત રાખે છે.
પુજીત રૂપાણી ટ્રસ્ટના મેનેજર ભાવેન વધુમાં કહ્યું કે, “વિજયભાઈની સમાજસેવાની ભાવના અમને હંમેશાં પ્રેરણા આપશે. ટ્રસ્ટમાંથી અભ્યાસ કરીને ડોક્ટર અને એન્જીનિયર બનેલા વિદ્યાર્થીઓ તેમની સપનાઓનું જીવંત પ્રતીક છે.” જ્યારે સામા કાંઠા વિસ્તારના રહેવાસીઓએ પણ વિજયભાઈના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, “વિજયભાઈએ અમારા વિસ્તારના બાળકોનું જીવન બદલી નાખ્યું છે. તેમનું ટ્રસ્ટ આજે પણ અમારા માટે આશાનું કિરણ છે.”








































