ભારતે મધ્ય એશિયામાં તેની સૌથી વ્યૂહાત્મક લશ્કરી હાજરી સમાપ્ત કરી દીધી છે. ભારત ઔપચારિક રીતે તાજિકિસ્તાનના આયની એરબેઝ પરની તમામ કામગીરી બંધ કરી રહ્યું છે. ૨૦૦૨ થી કાર્યરત આ એરબેઝ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર દેખરેખ રાખવા માટે ભારત માટે એક મુખ્ય બેઝ હતું. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને તાજિકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય કરાર ૨૦૨૨ માં સમાપ્ત થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે, ભારતીય વાયુસેના, સૈન્ય અધિકારીઓ અને લશ્કરી સાધનો ત્યાંથી સંપૂર્ણપણે પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.આયની એરબેઝ, જેને ગિસાર મિલિટરી એરોડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેથી લગભગ ૧૦ કિલોમીટર પશ્ચિમમાં સ્થિતિ છે. આ એરબેઝ સોવિયેત યુગના સમયનું છે, પરંતુ સોવિયેત યુનિયનના પતન પછી તે જર્જરિત થઈ ગયું હતું. ૨૦૦૧ માં, જ્યારે તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તા પર હતા, ત્યારે ભારતના વિદેશ મંત્રાલય અને સુરક્ષા સંસ્થાના વ્યૂહાત્મક નિષ્ણાતોએ સંયુક્ત કામગીરી માટે એરબેઝને અપગ્રેડ અને વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્્યો હતો. તત્કાલીન સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીઝે આ પ્રોજેક્ટને મજબૂત ટેકો આપ્યો હતો.એનએસએ અજિત ડોભાલ અને પૂર્વ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ આ વ્યૂહાત્મક સ્થાન સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.અહેવાલ મુજબ, ભારતે આયની એરબેઝના વિકાસ પર આશરે આશરે ૮૩૦ કરોડ ખર્ચ્યા હતા. ભારતીય એન્જીનિયરિંગ એજન્સીઓ અને બોર્ડર રોડ્‌સ ઓર્ગેનાઇઝેશને રનવેને ૩,૨૦૦ મીટર સુધી લંબાવ્યો, હેંગરો બનાવ્યા અને રિફ્યુઅલિંગ, રિપેર અને જાળવણી સુવિધાઓ બનાવી હતી. ભારતે અહીં ઘણી વખત એસયુ-૩૦ એમકેઆઇ ફાઇટર જેટ અને હેલિકોપ્ટર પણ તૈનાત કર્યા હતા. લગભગ ૨૦૦ ભારતીય સૈનિકો અને ટેકનિકલ નિષ્ણાતો લાંબા સમય સુધી ત્યાં તૈનાત હતા. ૨૦૨૧ માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજા કર્યો, ત્યારે ભારતે તેના નાગરિકો અને રાજદ્વારીઓને બહાર કાઢવા માટે આ એરબેઝનો ઉપયોગ કર્યો હતો.ધ પ્રિન્ટના સૂત્રો અનુસાર, ભારત અને તાજિકિસ્તાન વચ્ચેનો લીઝ કરાર ૨૦૨૨ માં સમાપ્ત થયો હતો. તાજિકિસ્તાને ભારતને જાણ કરી કે, તે લીઝ લંબાવશે નહીં અને બેઝનું સંચાલન સંભાળશે. આ નિર્ણય પાછળ રશિયા અને ચીનનું દબાણ પણ હોવાનું માનવામાં આવે છે. બંને દેશોએ તાજિકિસ્તાન પર તેની “એક્સ્ટ્રા-પ્રાદેશિક લશ્કરી હાજરી” ઘટાડવા માટે દબાણ કર્યું હતું. અહેવાલો અનુસાર, ભારત તરફથી આ એરબેઝ પાછું ખેંચાતા રશિયન દળોએ બેઝનો કબજા સંભાળી લીધો છે.ભારત માટે આયની એરબેઝ મહત્વપૂર્ણ હતું આયની એરબેઝ માત્ર તાજિકિસ્તાન માટે જ નહીં, પરંતુ ભારતની સુરક્ષા નીતિ માટે પણ મહત્વપૂર્ણ હતું. આ એરબેઝ અફઘાનિસ્તાનના વાખાન કોરિડોરથી માત્ર ૨૦ કિલોમીટર દૂર સ્થિતિ છે, જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની નજીક આવેલું છે. તેની મદદથી, ભારત પેશાવર જેવા શહેરો પર નજર રાખી શકે છે, જેનાથી પાકિસ્તાન પર દબાણ આવી શકે છે. યુદ્ધની સ્થિતિમાં, આ બેઝમાં પશ્ચિમી મોરચે પાકિસ્તાનને ફસાવવાની ક્ષમતા હતી, જેનાથી તેના સંસાધનોનું વિભાજન થઈ ગયું હતું.  વધુમાં, આ બેઝ મધ્ય એશિયામાં ભારતની વ્યૂહાત્મક પકડનું પ્રતીક હતું, જ્યાં રશિયા અને ચીન પહેલાથી જ પ્રભાવશાળી છે.